Delhi Weather Today: દિલ્લીમાં મૂશળધાર વરસાદ, 88 વર્ષનો રેકોર્ડ તૂટ્યો,5 લોકોનાં મોત
Delhi Weather Today: IMDની પ્રમાણભૂત વેધશાળા સફદરજંગમાં શુક્રવારે સવારે 8.30 વાગ્યે 228.1 મિમી વરસાદ નોંધાયો હતો, જે જૂનના સરેરાશ 74.1 મિમી વરસાદ કરતાં ત્રણ ગણો વધુ છે.
Delhi Monsoon Update: આ વર્ષે ચોમાસાના પહેલા વરસાદની અસર દિલ્હીમાં 28 જૂને જોવા મળી હતી. સતત ત્રણ કલાકથી વધુ વરસાદના કારણે છેલ્લા 88 વર્ષમાં જૂન મહિનામાં રેકોર્ડ બ્રેક વરસાદ થયો છે.. રાષ્ટ્રીય રાજધાનીમાં વરસાદ સંબંધિત અકસ્માતોમાં પાંચ લોકોના મોત થયા છે. વરસાદને કારણે દિલ્હી NCRના મોટાભાગના વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા અને MCD, NDMC, DDA, PWD અને દિલ્હી કેન્ટોનમેન્ટ બોર્ડની તમામ તૈયારીઓ વરસાદને કારણે નકામી થઈ ગઈ હતી.
ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટના ટર્મિનલ 1 ની છતનો એક ભાગ ત્યાં પાર્ક કરેલી કાર પર પડ્યો હતો, જેમાં એક કેબ ડ્રાઈવરનું મોત થયું હતું અને અન્ય છ ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ વિમાનોનું સંચાલન સ્થગિત કરવું પડ્યું હતું.રોહિણીના પ્રેમ નગર વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોક લાગવાથી 39 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.શાહદરાના ન્યુ ઉસ્માનપુર વિસ્તારમાં વરસાદના પાણીમાં ડૂબી જવાથી બે બાળકોના મોત થયા છે.ઉત્તર-પશ્ચિમ દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં એક અંડરપાસમાં એકઠા થયેલા વરસાદના પાણીમાં ડૂબી જવાથી 20 વર્ષીય વ્યક્તિનું મોત થયું.
હજુ ત્રણ મજૂરો મળ્યા નથી
વસંત વિહારમાં સવારે એક નિર્માણાધીન દિવાલ ધરાશાયી થતાં ત્રણ મજૂરો કાટમાળ નીચે દટાયા હતા. સાંજ સુધી બચાવ કાર્ય ચાલુ હતું પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમની બચવાની આશા ધૂંધળી થઈ ગઈ.હવામાન વિભાગના આંકડા અનુસાર, શહેરમાં 1936 પછી છેલ્લા 88 વર્ષમાં જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે અને 1901થી 2024ના સમયગાળામાં આ બીજા નંબરનો સૌથી વધુ વરસાદ છે.
અનેક સાંસદોના ઘરો ડૂબી ગયા હતા
ચોમાસાના પહેલા વરસાદમાં દિલ્હીના વિવિધ પોશ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાં લ્યુટિયન્સ દિલ્હીનો પણ સમાવેશ થાય છે. જ્યાં અનેક મંત્રીઓ અને સાંસદોના રહેઠાણ છે. ભારે વરસાદ બાદ પાણી ભરાવાને કારણે સાંસદોને સંસદમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દિલ્હીના જળ મંત્રી આતિશી, કોંગ્રેસના શશિ થરૂર અને મનીષ તિવારી અને સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ યાદવ સહિત અનેક સાંસદોના બંગલા નજીક પાણી ભરાઇ ગયું હતું.
વરસાદે દિલ્હીનો નજારો બદલી નાખ્યો
દિલ્હીના લોકો સવારે જાગ્યા ત્યાં સુધીમાં ભારે વરસાદે રાજધાનીને ભીંજવી દીધી હતી. આ સમય દરમિયાન, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, વાહનો ડૂબી ગયા હતા અને માઇલો લાંબો ટ્રાફિક જામ હતો, જેને સમાપ્ત થવામાં કલાકો લાગ્યા હતા. હજારો મુસાફરો રસ્તાઓ પર ફસાયેલા રહ્યા, જેમાંથી ઘણા તેમની ઓફિસ અને અન્ય કામ પર જઈ શક્યા ન હતા.
વરસાદ બાદ પ્રગતિ મેદાનની ટનલ બંધ કરવામાં આવી હતી. આ ઉપરાંત દ્વારકા અંડરપાસ, મિન્ટો રોડ, મૂળચંદ, લ્યુટિયન્સ દિલ્હી, હૌઝ ખાસ, સાઉથ એક્સટેન્શન અને મયુર વિહાર જેવા પોશ વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં ઘરોમાં પાણી ભરાઈ જવાના અહેવાલો છે.
સરેરાશ કરતાં ત્રણ ગણો વધુ વરસાદ નોંધાયો હતો
સફદરજંગ ઓબ્ઝર્વેટરી, શહેરનું પ્રાથમિક હવામાન કેન્દ્ર, શુક્રવારે સવારે 8.30 વાગ્યા પહેલાના 24 કલાકમાં 228.1 મીમી વરસાદ નોંધાયો હતો, જે જૂનના સરેરાશ 74.1 મીમી વરસાદ કરતાં ત્રણ ગણો વધુ છે. 1936 પછી 88 વર્ષમાં આ મહિનામાં આ સૌથી વધુ વરસાદ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, એક દિવસમાં 124.5 થી 244.4 મીમી સુધીના વરસાદને ભારે વરસાદ ગણવામાં આવે છે. IMDએ કહ્યું કે દિલ્હીમાં ચોમાસાની એન્ટ્રી થઇ ચુકી છે.