વન નેશન વન ઇલેકશન બિલને કેન્દ્રિય મંત્રીમંડળની લીલીઝંડી, આગામી સપ્તાહ સંસદમાં રજૂ કરવાની તૈયારી
One Nation, One Election News: આ પહેલા બુધવારે કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની હિમાયત કરતા કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે.

One Nation, One Election Latest News: 'વન નેશન, વન ઈલેક્શન' બિલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે (12 ડિસેમ્બર 2024) તેને મંજૂરી આપી છે. તે આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આના પર ઝડપથી કામ કરી રહી છે.
આ પહેલા બુધવારે (11 ડિસેમ્બર 2024), કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ની જોરદાર હિમાયત કરી હતી અને કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઉભી કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ અંતર્ગત કુરુક્ષેત્રમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધતા શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે.
શિવરાજ સિંહ ચૌહાણે વારંવાર ચૂંટણીને વિકાસમાં અવરોધ ગણાવી હતી.
શિવરાજ સિંહ ચૌહાણે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં એક ભવ્ય, સમૃદ્ધ અને શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ ભારત આપણી નજર સમક્ષ 'વિશ્વ ગુરુ' બનશે, તેમાં કોઈ શંકા નથી અને આખી દુનિયા જાણે છે... પરંતુ ભારતની પ્રગતિ અને વિકાસમાં એક અવરોધ છે, તે છે વારંવાર ચૂંટણી. દેશમાં કંઇક બીજું થાય કે ન થાય, આખા પાંચ વર્ષ સુધી ચૂંટણીની તૈયારીઓ ચાલુ રહે છે. લોકસભાની ચૂંટણી પૂરી થાય એટલે વિધાનસભાની ચૂંટણી આવે. હરિયાણા, જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણી થઈ ચૂકી છે, હવે દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તેની 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' યોજનાને આગળ ધપાવતા, કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ માટે તબક્કાવાર ચૂંટણીઓ યોજવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો સ્વીકારી હતી.
'એક રાષ્ટ્ર, એક ચૂંટણી'ના માર્ગમાં અનેક અવરોધો
કેન્દ્ર સરકાર શરૂઆતથી જ વન નેશન, વન ઈલેક્શનના સમર્થનમાં છે. જો કે, હાલની સિસ્ટમમાં ફેરફાર કરવો એ ખૂબ જ પડકારજનક કાર્ય છે. આ માટે સર્વસંમતિ ખૂબ જ જરૂરી છે. દેશમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરવા માટે બંધારણમાં સુધારા માટે લગભગ 6 બિલ લાવવા પડશે. આ તમામને સંસદમાં પસાર કરવા માટે બે તૃતીયાંશ બહુમતની જરૂર પડશે.




















