ગુજરાતમાં ઓમિક્રોનનો ખતરો વધ્યો, વડોદરાના તાંદલજા વિસ્તારમાં મહિલા સંક્રમિત
રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. વડોદરામાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે.
વડોદરા: રાજ્યમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો ખતરો વધ્યો છે. વડોદરામાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી મુજબ 27 વર્ષીય તાંદલજા વિસ્તારની મહિલામાં ઓમિક્રોન વેરિયન્ટ મળી આવ્યો છે. જે યુ.કે થી પરત આવ્યાની વિગતો સામે આવી છે. લક્ષણો જણાયા બાદ કોવિડ પોઝિટિવ આવતા ઝીનોમ સિક્વન્સ માટે નુમના મોકલી આપ્યા બાદ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
હાલ મહિલા દર્દીની હાલત સ્થિર છે અને કોઈપણ લક્ષણો જોવા મળી રહ્યા નથી સાથે સારવાર ખાનગી હોસ્પિટલમાં ચાલુ હોવાની વિગત વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ તરફથી આપવામાં આવી છે. વડોદરા શહેરમાં ઓમિક્રોન વેરિઅન્ટનો ત્રીજો કેસ સામે આવ્યો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 16 કેસ થયા છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કેસ
છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 63 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,937 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.71 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયુ છે. આજે 2,21,718 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 13, વડોદરા કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 6, રાજકોટ કોર્પોરેશનમાં 5, જામનગરમાં 4, રાજકોટ 4, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, મહેસાણામાં 3, આણંદ 2, ગીર સોમનાથ 2, પોરબંદર 2, સુરત 2, ભાવનગર 1, દેવભૂમિ દ્વારકા 1, કચ્છ 1, નવસારી 1, સુરેન્દ્રનગર 1, વડોદરા 1 અને વલસાડમાં 1 નવો કેસ નોંધાયો હતો.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 577 કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 569 નાગરિકો સ્ટેબલ છે. 8,17,937 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10102 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 7 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 379 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 6550 લોકોને પ્રથમ અને 50985 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 22644 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 141153 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,21,718 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,72,84,752 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.