(Source: ECI/ABP News/ABP Majha)
Accident: વડોદરા નેશનલ હાઇવે પર કન્ટેનર પાછળ કાર ઘૂસી, ઘટનાસ્થળે જ પાંચના મોત
Accident:કારમાં સવાર 6 લોકો પૈકી પાંચના ઘટના સ્થળે મોત થયા હતા.
Accident: વડોદરા નેશનલ હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં બાળક સહિત પાંચ લોકોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, વડોદરા નેશનલ હાઇવે પર મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. પાર્ક કરેલ કન્ટેનર પાછળ કાર ઘૂસી જતા પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. ભરૂચથી વડોદરા તરફ પરિવાર આવી રહ્યો હતો ત્યારે પાર્ક કરેલ કન્ટેનર પાછળ કાર ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર 6 લોકો પૈકી પાંચના ઘટના સ્થળે મોત થયા હતા.
મૃતકોના નામ પ્રજ્ઞેશભાઈ પટેલ, મયુરભાઈ પટેલ, ઉર્વશીબેન પટેલ, ભૂમિકાબેન પટેલ, લવ પટેલ છે. જ્યારે ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો હતો જેનું નામ અસ્મિતા પટેલ છે. બનાવની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
નડિયાદમાં થયો અકસ્માત
આ તરફ નડિયાદમાં પીજ ચોકડી બ્રિજ પાસે ટ્રક અને લાકડા ભરેલ ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટરના ડ્રાઇવર સહિત બેનાં ઘટના સ્થળે મોત થયું હતું. લાકડા ભરેલ ટ્રેકટરની પાછળ પૂર ઝડપે આવતી ટ્રક અથડાઈ હતી. ટ્રેક્ટરની પાછળ ટ્રક ચાલકે ટક્કર મારતાં લાકડા ભરેલ ટ્રેકટર હાઇવે પર પલ્ટી મારી ગયું હતું. અક્સ્માતની જાણ થતાં જ 108 અને હાઇવે પેટ્રોલિંગની ટીમ અને પોલીસ સ્થળે પહોંચી હતી. જો કે અક્સ્માત થતા જ ડ્રાઈવર હાઇવે પર ટ્રક મૂકી ફરાર થયો હતો.
પાલનપુર-અંબાજી હાઈવે પર અંધારીયા પાસે અકસ્માતમાં બે લોકોના મોત થયા છે, જ્યારે 10 થી વધુ ઘાયલ થયા હતા. પીકઅપ ડાલાનું ટાયર ફાટતાં પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપ ડાલુ દાતા તાલુકાના શ્રમિકોને લઈને મજૂરી અર્થે પાલનપુર તરફ આવતું હતું ત્યારે આ દુર્ઘટના બની હતી. ઘાયલોને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. પીકઅપ ડાલામાં શ્રમિકો ખીચોખીચ ભર્યા હતા.
અમદાવાદના નારોલમાં આવેલા નીલકંઠ રેસીડેન્સીના ગેટની બહાર આઘેડ સિક્યોરીટી ગાર્ડ ખુરશી પર બેઠા હતા. ત્યારે રાત્રીના સમયે બેફામ રીતે કાર હંકારીને એક વ્યક્તિ ફ્લેટમાં આવ્યો હતો અને સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી બેસતા આઘેડ સિક્યુરિટીગાર્ડ ઉપર ગાડીના ટાયર ફરી વળતા આઘેડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોધીને તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.