(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી પહેલી વાર આવી સત્તામાં, આ નગરપાલિકામાં અપક્ષોને ટેકો આપીને ભાજપને પછાડ્યો
ગોધરા નગર પાલિકાની 11 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપ દ્વારા માત્ર છ વોર્ડમાં ૨૪ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા હતા. જેમાંથી ભાજપને માત્ર ૧૮ બેઠકો મળી હતી. આમ ભાજપને સત્તા મેળવવા માટે અપક્ષનો ટેકો જરૂરી બની ગયો હતો. બીજી તરફ્ અપક્ષને ૧૮, કોંગ્રેસને એક અને ઓવૈસીની પાર્ટીને પ્રથમવાર ગોધરા નગરપાલિકામાં સાત બેઠકો મળી હતી.
ગોધરાઃ ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાયા પછી પ્રમુખ-ઉપપ્રમુખ અને હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી રહી છે, ત્યારે ગોધરા નગરપાલિકામાં ઓવૈસીની એઆઇએમઆઇએમ પાર્ટીના સહારે અપક્ષે સત્તા સંભાળી છે. ગોધરા નગરપાલિકામાં ભાજપ પાસે એક અપક્ષ સભ્યના સમર્થન સાથે ૧૯ બેઠકો હતી. જયારે અપક્ષો પાસે એક કોંગ્રેસ, સાત એઆઇએમઆઇએમ અને ૧૭ અપક્ષ ઉમેદવારોની બહુમતી હતી. જોકે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન અપક્ષ વિજેતા એક મહિલા સભ્ય ગેરહાજર રહ્યા હતા. નોંધનીય છે કે રાજ્યમાં પહેલીવાર ગોધરા નગરપાલિકામાં ઓવૈસીના સહારે અપક્ષનું શાશન આવ્યું છે.
ગોધરા નગર પાલિકાની 11 વોર્ડની 24 બેઠકોમાંથી ભાજપ દ્વારા માત્ર છ વોર્ડમાં ૨૪ ઉમેદવાર મેદાનમાં ઉતારાયા હતા. જેમાંથી ભાજપને માત્ર ૧૮ બેઠકો મળી હતી. આમ ભાજપને સત્તા મેળવવા માટે અપક્ષનો ટેકો જરૂરી બની ગયો હતો. બીજી તરફ્ અપક્ષને ૧૮, કોંગ્રેસને એક અને ઓવૈસીની પાર્ટીને પ્રથમવાર ગોધરા નગરપાલિકામાં સાત બેઠકો મળી હતી.
આ પરિણામોએ ગોધરા પાલિકામાં ભારે અપસેટ સર્જ્યો હતો તેમ છતાં ભાજપ દ્વારા અપક્ષને સમજાવટ કરી સત્તા મેળવવાનો આશાવાદ અને દાવો કરાયો હતો. જોકે, ભાજપની આ રાજનીતિના દાવપેચમાં માત્ર એક જ અપક્ષ ઉમેદવારે ભાજપને સમર્થન કર્યુ હતું , જેથી સત્તા હાંસલ કરવા માટે કપરા ચડાણની સ્થિતી જોવા મળી હતી.
અપક્ષમાંથી સંજય સોનીએ નેતૃત્વ સંભાળી ઔવેસીની પાર્ટીના સભ્યોના ટેકાથી અપક્ષ જ સત્તા સંભાળશે એવો દાવો કરાયો હતો. બુધવારે ગોધરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે ચૂંટણી પ્રક્રિયામાં ભાજપના સભ્યોએ વરણીની પ્રારંભિક પ્રક્રિયા ટાણે સૂત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો.
અંદાજીત ત્રીસ મિનિટ સુધી આ હાઈ વોલ્ટેજ ડ્રામા જેવી પરિસ્થિતિ જારી રહી હતી. દરમિયાન પોલીસે કેટલાક સભ્યોને સભાખંડ બહાર કાઢયા હતા. અંતે કાયદો વ્યવસ્થા વચ્ચે પ્રમુખ ઉપપ્રમુખ માટેની વરણી પ્રક્રિયા અંતે સંપન્ન થઈ હતી. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે એક પણ પ્રતિસ્પર્ધી દાવેદાર નહિં હોવાથી ચૂંટણી અધિકારીએ પ્રમુખ પદે સંજય સોની અને ઉપપ્રમુખ પદે અકરમ પટેલના નામની જાહેરાત કરી હતી.