ગુજરાતના આ મોટા શહેરમાં એમ્બ્યુલન્સ પણ ખૂટી પડી, યુવકે કોરોનાગ્રસ્ત પિતાને ટેમ્પોમાં હોસ્પિટલ લઈ જવા પડ્યા.....
ગાજરાવાડીથી 10 કિલોમીટર દૂર ગોત્રી હોસ્પિટલ પિતાને ટેમ્પોમાં બેસાડી પુત્ર લઈ ગયો હતો.
વડોદરા: વડોદરામાં કોરોનાની ચિંતાજનક સ્થિતિ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે હવે દર્દીને એમ્બ્યુલન્સ પણ નથી મળી રહી. ગાજરાવાડીમાં રહેતા તારાચંદ ચાવલાને એમ્બ્યુલન્સ ના મળતા ટેમ્પોમાં હોસ્પિટલ લઈ જવાયા હતા.
દર્દીના પુત્રએ અનેકવાર 108 એમ્બ્યુલન્સને ફોન કર્યા, પણ સતત ફોન વ્યસ્ત આવી રહ્યો હતો. પુત્રએ પિતાની તબિયત વધુ લથડતાં પિતાને ટેમ્પોમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો. ગાજરાવાડીથી 10 કિલોમીટર દૂર ગોત્રી હોસ્પિટલ પિતાને ટેમ્પોમાં બેસાડી પુત્ર લઈ ગયો હતો. હાલ વડોદરામાં કોરોનાનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે લોકોને 108 એમ્બ્યુલન્સ પણ નથી મળી રહી. હાલમાં શહેરમાં 108 એમ્બ્યુલન્સની અછત છે.
નોંધનીય છે કે, વડોદરામાં બાળકોમાં પણ ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં જ છેલ્લા 15 દિવસમાં 75થી વધુ બાળકો કોરોનાથી સંક્રમિત મળ્યા છે. સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રાધ્યાપક ડૉ. શીલા ઐય્યરે કહ્યું કે 5 વર્ષથી નીચેના બાળકો સૌથી વધુ સંક્રમિત થઈ રહ્યા છે.
હાલ 90 ટકા બાળકો હોમ આઈસોલેટ થઈને સારવાર લઈ રહ્યા છે. જ્યારે 14 બાળકની હાલત ગંભીર હોવાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા હતા. જે પૈકી 12 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. કો-મોર્બિડીટી ધરાવતા બાળકોમાં કોરોનાના ગંભીર લક્ષણો જોવા મળી રહ્યા છે.
તો કોરોના પોઝિટિવ માતાને બાળકોને દૂધ ફરજીયાત પીવડાવવા અપીલ કરી છે. માતાએ ફેસ શિલ્ડ, માસ્ક પહેરી, હાથ સેનેટાઈઝ કરી દૂધ પીવડાવવું જોઈએ. જે બાળકોમાં શરદી, ખાંસી, તાવ, ઝાડા, ઉલ્ટી ના લક્ષણો હોય તેમનો રેપિડ કે RT-PCR ટેસ્ટ કરાવવા પણ અપીલ કરી છે.
કોરોના કાળમાં વડોદરા પાલિકાએ સૌથી મોટો અને આવકારદાયક નિર્ણય કર્યો છે. કોરોનાકાળમાં ખાનગી હોસ્પિટલો દ્વારા ચલાવાતી લૂંટ પર મહાપાલિકાએ સંકજો કસ્યો છે. શહેરમાં આવેલી ખાનગી કોવિડ હોસ્પિટલમાં સારવારના ભાવમાં 25થી 50 ટકા સુધી ઘટાડો કર્યો છે.
હોસ્પિટલમાં જનરલ રૂમના ભાવ 6 હજારથી ઘટાડીને 4 હજાર 500 રૂપિયા કર્યા છે. HDU વોર્ડના એક દિવસના રેટ 8 હજાર 500થી ઘટાડીને 6000 કર્યાં છે. આઇસોલેશન અને ICU બેડના રેટ 18 હજારથી ઘટાડી 13 હજાર 500 કર્યાં છે. તો વેન્ટિલેટર, આઈસોલેશન અને આઈસીયુના રેટ 21 હજાર 500થી ઘટાડી 16 હજાર કર્યાં છે.
તમામ હોસ્પિટલની બહાર આ નવા ભાવના બોર્ડ મૂકવાના રહેશે. જે હોસ્પિટલ વધારે ચાર્જ વસૂલશે અથવા કેસલેશ સુવિધા નહીં આપે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તો શહેરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં હવે તમામ રૂમ સામાન્ય ગણાશે. કોઈ સ્પેશિયલ કે સેમી સ્પેશિયલ રૂમ નહીં રાખી શકાય.