અમદાવાદ કાંકરિયા કાર્નિવલ અગાઉ વિવાદ, વીમા કંપનીની શરતના કારણે સત્તાવાળાઓ થયા દોડતા
અમદાવાદમાં કાલથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થશે. તે અગાઉ જ મોટો વિવાદ થયો હતો.

અમદાવાદમાં કાલથી કાંકરિયા કાર્નિવલની શરૂઆત થશે. તે અગાઉ જ મોટો વિવાદ થયો હતો. અમદાવાદ મહાનગરપાલિકાએ 25થી 31 ડિસેમ્બર સુધી એટલે કે એક સપ્તાહ યોજાનારા કાંકરિયા કાર્નિવલને લઈ ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી પાંચ હજાર કરોડનો વીમો લીધો છે. આ વીમા કંપનીએ એવી શરત રાખી છે કે જો કોઈ દુર્ઘટના થાય તો કાર્નિવલની ટિકિટ ખરીદનારા જ વીમો ક્લેઈમ કરી શકશે. વાસ્તવમાં અમદાવાદ મહાપાલિકા તો શહેરીજનો માટે કાંકરિયા કાર્નિવલમાં વિનામૂલ્યે એન્ટ્રી આપે છે. હવે જો કોર્પોરેશન એન્ટ્રી જ ફ્રી આપતું હોય તો શહેરીજનો ટિકિટ ક્યાંથી લે. જોકે વિવાદ વકરે તે પહેલા જ કોર્પોરેશને તાત્કાલિક વીમા કંપનીને આ વિવાદીત જોગવાઈ દૂર કરવા આદેશ કરી દીધાનો મનપા સત્તાવાળાઓએ દાવો કર્યો હતો. વિવાદ બાદ સ્ટેન્ડિંગ ચેરમેને વિવાદીત જોગવાઈ વીમા કંપની પાસેથી દૂર કરાવવાનો દાવો કર્યો હતો. પરંતુ આયોજન કરનારા એક પણ અધિકારી આ અંગે કંઈ કહી શકે તેવી સ્થિતિમાં જ નથી. જેના પરથી એ તો સ્પષ્ટ થાય છે કે પ્રશાસનના અધિકારીઓ માત્ર એસી ઓફિસોમાં બેસી આયોજનો કરે છે અને મૌન રહી સંમતિ આપી દે છે.
કોર્પોરેશને મુલાકાતીઓની સુરક્ષા માટે ભૂકંપ, આગ અને આતંકવાદી હુમલા જેવા સંભવિત જોખમોને આવરી લેતો કુલ 5,000 કરોડ રૂપિયાથી વધુનો વીમો લીધો છે, જેના માટે 45 લાખ રૂપિયાનું જંગી પ્રીમિયમ પણ ચૂકવી દેવામાં આવ્યું છે. જોકે, વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે વીમા કંપનીના નિયમો સામે આવ્યા, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દુર્ઘટના સમયે વળતર મેળવવા માટે મુલાકાતી પાસે માન્ય એન્ટ્રી ટિકિટ હોવી અનિવાર્ય છે. આ શરતને કારણે તંત્ર અને નાગરિકોમાં મૂંઝવણ પેદા થઈ છે.
કાર્નિવલ દરમિયાન તમામ મુલાકાતીઓને પરિસરમાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે, એટલે કે કોઈ પણ પ્રકારની ટિકિટ આપવામાં આવતી નથી. હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થયો છે કે જો કાર્નિવલમાં ટિકિટ જ આપવામાં આવતી નથી, તો વીમા કંપનીની શરત મુજબ કોઈ અકસ્માત કે દુર્ઘટનાના કિસ્સામાં મુલાકાતીઓને વળતર કેવી રીતે મળશે? હાલમાં આ ગૂંચવણને ઉકેલવા માટે અધિકારીઓમાં દોડધામ મચી છે.




















