Gujarat Election 2022: મધુ શ્રીવાસ્તવની ધમકી, કહ્યું- 'મારા કાર્યકરનો જો કોઈએ કોલર પણ પકડ્યો તો તેના ઘરમાં ઘૂસીને ગોળી મારીશ'
સતત 6 ટર્મથી ધારાસભ્યપદે ચૂંટાનારા મધુ શ્રીવાસ્તવને ભાજપની ટિકિટ પર આ વખતે પણ ચૂંટણી લડવી હતી. જો કે, ભાજપે તેમને ટિકિટ નથી આપી. આ કારણોસર મધુ શ્રીવાસ્તવ નારાજ હતા.
વડોદરા: સતત 6 ટર્મથી ધારાસભ્યપદે ચૂંટાનારા મધુ શ્રીવાસ્તવને ભાજપની ટિકિટ પર આ વખતે પણ ચૂંટણી લડવી હતી. જો કે, ભાજપે તેમને ટિકિટ નથી આપી. આ કારણોસર મધુ શ્રીવાસ્તવ નારાજ હતા. તેમને મનાવવા ખુદ પાટીલે પણ પ્રયાસ કર્યો. પરંતુ મધુ શ્રીવાસ્તવ માન્યા નહીં. આજે તેમણે વાઘોડિયાથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. સમર્થકો સાથે રેલી કાઢી મધુ શ્રીવાસ્તવે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું અને મીડિયા સાથેની વાતમાં બફાટ કર્યો કે મારા કાર્યકરનો જો કોઈએ કોલર પણ પકડ્યો તો તેના ઘરમાં ઘૂસીને ગોળી મારીશ. આ સાથે જ ભાજપે કદર ન કર્યાની મધુ શ્રીવાસ્તવે હૈયાવરાળ તો ઠાલવી સાથો સાથ વાણીવિલાસ કરતાં રાજકારણ ગરમાયું છે.
ભાજપે ટિકિટ ન આપતાં 4 દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે મારી ટિકિટ કપાતાં મારા કાર્યકરો રોષે ભરાયા હતા, જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું.
વડોદરા જિલ્લાનીવાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને જિલ્લા ભાજપપ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવતાં મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપી દેતાં વાઘોડિયા સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો છે.
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ બીજા તબક્કાના મતદાન માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આવતીકાલથી પ્રચંડ પ્રચાર શરૂ થશે. આજે ભાજપ દ્વારા 182મી ટિકિટ જાહેર કરવામાં આવી છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર યોગેશ પટેલને ફરી ટિકિટ આપવામાં આવી છે. યોગેશ પટેલ સતત આઠમી વાર વિધાનસભાની ચૂંટણી લડશે.
શું કહ્યું યોગેશ પટેલે
યોગેશ પટેલે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા આવ્યા ત્યારે જ મને ઈશારો કર્યો હતો કે તમે તૈયાર છોને ? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરા બે વાર આવ્યા અને બીજી વાર પણ તેમને કહ્યું યોગેશભાઈ તૈયાર છો ને તૈયારી કરી દેજો .
યોગેશ પટેલની રેલીમાં કોણ કોણ જોવા મળ્યું
ભારે જન મેદની સાથે યોગેશ પટેલની ભવ્ય રેલી રાવપુરા વિસ્તારમાં જોવા મળી હતી. જેમાં કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, સાંસદ રંજનબેન ભટ્ટ સહિત અનેક નેતાઓ પણ રેલીમાં જોડાયા હતા. યોગેશ પટેલ ફોર્મ ભરતા કહ્યું હું સતત આઠમી વાર પણ ભવ્ય વિજય મેળવીશ.
યોગેશ પટેલને પૂછવામાં આવ્યું કે, ટિકિટ આપવામાં ઉંમરનો બાધ ન નડ્યો, જેના જવાબમાં કહ્યું હું શરીરે ફિટ છું, યુવાઓ ઘરમાં પુરાઈ રહે છે, આજે પણ ક્રિકેટ રમું છું. શુ આગામી 2027 માં નવમી વાર પણ ચૂંટણી લડશો તેના જવાબમાં યોગેશ પટેલ એ કહ્યું શરીર સાથ આપે તો. કેટલા મોટા માર્જિનથી ચૂંટણી જીતશો ? તેના સવાલ માં કહ્યું કે મોટી જીત મેળવું તો બધાની નજર મારી બેઠક પર આવી જાય છે.