H3N2: વડોદરા શહેરમાં વધુ એક શંકાસ્પદ દર્દી સયાજી હોસ્પિટલમાં દાખલ
વડોદરામાં H3N2થી મહિલાના મોત બાદ વધુ એક શંકાસ્પદ દર્દી સયાજી હૉસ્પિટલમાં દાખલ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું
વડોદરામાં H3N2થી મહિલાના મોત બાદ વધુ એક શંકાસ્પદ દર્દી સયાજી હૉસ્પિટલમાં દાખલ થતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. મળતી જાણકારી અનુસાર, શંકાસ્પદ દર્દી દાખલ થતા તેના ટેસ્ટ કરવામાં આવશે અને નવા વેરિયંટનું નિદાન કરવાનો નિર્ણય તબીબ કરશે. ત્રણ દિવસ પહેલા જ 65 વર્ષીય મહિલાનું H3N2ના કારણે મોત થયું હતું. વૃદ્ધાના મોત બાદ વડોદરા મહાનગરપાલિકા સફાળી જાગી હતી. સયાજી હોસ્પિટલ અને ગોત્રી હોસ્પિટલમાં 50 બેડના આઈસોલેશન વોર્ડની તૈયારીઓ પણ કરવામાં આવી છે.
તે સિવાય ભાવનગર શહેરમાં H3N2 વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે, 22 વર્ષીય યુવતીને H3N2 નાં લક્ષણો દેખાયા હતા. શહેરના સુભાષ નગર વિસ્તારમાં રહેતી યુવતીને H3N2 વાયરસ ગ્રસ્ત જાહેર કરાતા ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. કોરોનાએ માથું ઊંચક્યા બાદ શહેરમાં H3N2 વાયરસનો પ્રથમ કેસ નોંધાતા લોકોની ચિંતા વધી ગઇ હતી. શહેરમાં 14 આરોગ્ય કેન્દ્રમાં તાવ શરદી ઉધરસના બે સપ્તાહમાં 750 થી વધુ દર્દીઓ નોંધાયા હતા.
' મેડિકલ ઇન્શ્યોરન્સ ક્લેમ માટે હોસ્પિટલમાં ભરતી થવું જરૂરી નથી', કન્ઝ્યુમર ફોરમનો મોટો નિર્ણય
Medical Insurance Claim: કન્ઝ્યુમર ફોરમે મેડિકલ ક્લેમ પર મોટો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ હોય તો પણ તે વીમાનો દાવો કરી શકે છે. વડોદરાના કન્ઝ્યુમર ફોરમે એક આદેશમાં વીમા કંપનીને વીમાની રકમ ચૂકવવા આદેશ કર્યો છે. કોર્ટે કહ્યું કે નવી ટેક્નોલોજીના આગમનને કારણે કેટલીકવાર દર્દીઓની સારવાર ઓછા સમયમાં અથવા તો હોસ્પિટલમાં દાખલ કર્યા વિના કરવામાં આવે છે.
વડોદરાના રહેવાસી રમેશચંદ્ર જોષીની અરજી પર કન્ઝ્યુમર ફોરમે આ આદેશ આપ્યો છે. જોશીએ 2017માં નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કંપનીએ તેનો વીમા દાવો ચૂકવવાનો ઇનકાર કર્યો હતો.
શું હતો મામલો?
જોષીની પત્નીને બીમારીને પગલે વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ બીજા દિવસે તેમને રજા આપવામાં આવી હતી. સારવાર બાદ જોષીએ રૂ. 44,468નો મેડિકલ ક્લેમ કર્યો હતો પરંતુ વીમા કંપનીએ તેને ફગાવી દીધો હતો કે નિયમ મુજબ દર્દીને 24 કલાક સુધી દાખલ કરવામાં આવ્યો ન હતો
જોષીએ કન્ઝ્યુમર ફોરમમાં ફરિયાદ નોંધાવી અને દસ્તાવેજો રજૂ કર્યા કે તેમની પત્નીને 24 નવેમ્બર, 2016ના રોજ સાંજે 5.38 વાગ્યે દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે 25 નવેમ્બરે સાંજે 6.30 વાગ્યે તેમને રજા આપવામાં આવી હતી. આ રીતે તે 24 કલાકથી વધુ સમય સુધી હોસ્પિટલમાં હતા.