(Source: ECI/ABP News/ABP Majha)
Vadodra: વડોદરામાં ટ્રાફિક ગાર્ડનનું ઉદ્ધાટન, બાળકોને ટ્રાફિક નિયમો અંગે સમજ અપાશે
વડોદરા કારેલીબાગ ટ્રાફિક DCPની ઓફિસ પાસે બનેલા ટ્રાફિક પાર્કનું વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
વડોદરા: વડોદરા કારેલીબાગ ટ્રાફિક DCPની ઓફિસ પાસે બનેલા ટ્રાફિક પાર્કનું વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. બાળકોમાં નાનપણથી જ ટ્રાફિકની સમજ આવે તે માટે ભૂતડીઝાંપા ટ્રાફિક DCPની ઓફિસ પાસે બાળકો માટે ટ્રાફિક ગાર્ડન બનાવાયો છે.
આ પાર્કમાં બાળકોને ટ્રાફિકને લગતી તમામ માહિતી અપાશે. અગાઉ શાળાઓ પોલીસને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ માટે બોલાવતી હતી. હવે શાળાઓ ટ્રાફિક ગાર્ડનમાં આવશે. જ્યાં ટ્રાફિકને લગતી તમામ સાઈન - ચિહ્નો દ્વારા બાળકોને ટ્રાફિકને લગતી માહિતી મળી શકશે. આ સાથે જ ગાર્ડનમાં પ્રોજેક્ટર રૂમ બનાવાયો છે. જ્યાં ટ્રાફિકને લગતી શોર્ટ ફિલ્મો બતાવાશે.
વડની થીમ પર ટ્રાફિક ગાર્ડનનું નિર્માણ કરાયું છે.જે બાદ ગાર્ડનની બહાર હાઈવે જેવા પટ્ટાનું નિર્માણ કરાશે અને તેની આસપાસ હાઈવે ટ્રાફિકની સાઈન લગાવાશે. જેથી બાળકોને હાઈવેના ટ્રાફિક નિયમો અંગે પણ જાણકારી અપાશે. ટ્રાફિક ગાર્ડનની બાજુમાં 22 વનસ્પતિનાં નાના વન વિકસાવાયા છે. જેની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવી છે. આ દીવાલો પર કારીગરોએ વાર્લી પેઇન્ટિંગ બનાવ્યાં છે.બાળકોને ટ્રાફિક નિયમો સમજાવવા 10 પોલીસ જવાનોને તાલીમ અપાઈ છે. આ માટે ટ્રાફિક એક્સપર્ટની મદદ લઈ તેઓને ટ્રેનિંગ અપાઈ છે.
વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ પાર્કનું ઉદ્ધાટન કર્યા બાદ કહ્યું કે, બાળકોને ટ્રાફિકના નિયમો ગમ્મત સાથે કેવી રીતે સમજાવી શકાય તેવી ટ્રેનિંગ પોલીસને અપાઈ છે. પોલીસ બાળકોને ટ્રાફિક અંગે ક્વિઝ પણ રમાડશે.