Vadodara: વડોદરામાં દારુની મહેફીલ પોલીસની રેડ, 4 યુવતી સહિત 9 લોકોની અટકાયત
વડોદરા: સંસ્કારીનગરી કહેવાતા વડોદરામાં પણ હવે નશાનું દુષણ ઘર કરી ગયું છે. છેલ્લા ઘણા સમયથી અહીં દારુ પાર્ટીઓના વીડિયો સામે આવી રહ્યા છે. હજુ ગઈકાલે રાત્રે જ એક યુવતીએ નશાની હાલતમાં પોલીસ જોડે ઝપાઝપી કરી હતી.
વડોદરા: સંસ્કારીનગરી કહેવાતા વડોદરામાં પણ હવે નશાનું દુષણ ઘર કરી ગયું છે. છેલ્લા ઘણા સમયથી અહીં દારુ પાર્ટીઓના વીડિયો સામે આવી રહ્યા છે. હજુ ગઈકાલે રાત્રે જ એક યુવતીએ નશાની હાલતમાં પોલીસ જોડે ઝપાઝપી કરી હતી. એ વાત હજુ તાજી જ છે ત્યાં વડોદરા પોલીસે દારૂની મહેફિલ માણતા 9 યુવક યુવતીઓની ઝડપી પાડ્યા છે.
હરણી પોલીસે દરોડો પાડી નશો કરતા યુવક યુવતીઓને ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી છે. જય કહાર,રિતેશ કહાર,અભિષેક નિકમ,ઇશન પટેલ અને ભાવિન સોલંકીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત 4 યુવતીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. હરણીના શિવકૃપા રેસિડેન્સીમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે રેડ પાડી તમામને દબોચી લીધા હતા. આમ ગુજરાતમાં દારુબંધીના ફરી લીરેલીરા ઉડ્યા છે.
દારૂના નશામાં ચકચુર નબીરાઓ જ નહી, પરંતુ નબીરીઓ પણ હોય છે. નબીરાઈની સાથે દારૂનો નશો ઉમેરાતા વડોદરામાં ગઈરાતે તમાશો સર્જાયો હતો. વાહન ચેકિંગ માટે પોલીસે રોકતા મોના હિંગુ નામની મહિલાએ રિતસરનો તમાશો કર્યો હતો. ઉપરાંત પોલીસકર્મીઓ સાથે હાથાપાઈ કરી હતી અને અભદ્ર ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો. યુવતીએ પોલીસને કહ્યું મારો વીડિયો ઉતારી લો ને થાય તે કરી લો. પોલીસે આ યુવતી વિરૂદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ગત મોડીરાતે બે વાગ્યાના અરસામાં ગોત્રી ગોકુળ નગર પાસે એક કાર ચાલક યુવતીએ અન્ય એક કારના ચાલક સાથે અકસ્માત કર્યો હતો. જેથી, કારમાં બેસેલા વ્યક્તિઓએ યુવતીને કાર ધીરેથી ચલાવવાનું કહેતા યુવતી એકદમ ઉશ્કેરાઇ ગઇ હતી. તેણે કારમાં બેસેલા વ્યક્તિઓ સાથે ઝઘડો કરી ગાળો બોલવાનું શરૃ કર્યુ હતું. જેના પગલે અન્ય લોકો પણ સ્થળ પર ભેગા થઇ ગયા હતા. યુવતી તે લોકોને પણ ગાળો બોલતી હતી.
યુવતીના વર્તનથી ડઘાઇને પોલીસ કંટ્રોલ રૃમમાં આ અંગે જાણ કરવામાં આવતા ગોત્રી પોલીસ સ્થળ પર દોડી આવી હતી. યુવતીએ કારમાંથી બહાર આવીને મહિલા પોલીસ સાથે ઝપાઝપી કરી ગાળો બોલવાનું શરૂ કર્યુ હતું. છેવટે પોલીસે જરૂરી બળ વાપરીને નશેબાજ યુવતીને પોલીસ વાનમાં બેસાડી હતી. યુવતીએ દારૃનો નશો કર્યો હોવાથી પોલીસે સરકાર તરફે ગુનો દાખલ કરી 41 વર્ષની મોના ચંદ્રકાંતભાઇ હિંગુની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં દારૂ ની મેહફિલ પર પોલીસે રેઇડ પાડી હતી. રાજ મહેલ કોમ્પ્લેક્સની ઓફિસમાં રેડ કરતા 20 લોકો ઝડપાયા હતા. જમીન દલાલ અનુરાગ શુક્લાએ જન્મ દિવસે પાર્ટી રાખી હતી. જેમાં પોલીસે ભંગ પાડી તમામની અટકાયત કરી હતી. યુવકો દ્વારા દારૂની બોટલો ફોડવામાં આવી હતી. પોલીસે 3 બોટલ દારૂ પણ કબ્જે કર્યો હતો. પકડાયેલા કેટલાંક વ્યક્તિઓના રાજકારણીઓ સાથે પણ સંબંધ હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પકડાયેલા 20 શખ્સોમાંથી એકની તબિયત લથડી હતી. તબિયત બગડતા એમ્બ્યુલન્સ બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયો છે. 31 વર્ષીય વિનય રવિશંકર પાંડેની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે.