Vadodara Corona Cases: ગુજરાતના આ મોટા શહેરમાં ડેલ્ટા વેરિયન્ટની થઈ એન્ટ્રી ? મહારાષ્ટ્રથી આવેલા પરિવારના સભ્યો સંક્રમિત થતાં ફફડાટ
Delta Variant: વડોદરામાં ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રીની આશંકાને પગલે આરોગ્ય વિભાગ સર્તક બન્યું છે.
વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને જનજીવન રાબેતા મુજબ થતાં આંતર રાજ્ય મુસાફરી પણ વધી છે. લોકો બિંદાસ બનીને ફરી રહ્યા છે. આ દરમિયાન વડોદરામાં મહારાષ્ટ્રથી આવેલા પરિવારના ત્રણ સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા છે. પૂણેથી વડોદરા આવેલા પરિવારના ત્રણ સભ્યો પૈકી એકને શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને બે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. આ લોકોના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે.
ડેલ્ટા વેરિયન્ટની આશંકાએ આરોગ્ય તંત્ર દોડતુ થયુ
વડોદરામાં મહારાષ્ટ્રથી થઈ રહેલા કોરોનાનો પગપેસારો અને બીજી તરફ વડોદરામાં ડેલ્ટા વેરિયન્ટની આશંકાએ આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રીની આશંકાને પગલે આરોગ્ય વિભાગ સર્તક બન્યું છે. આ સ્થિતિમાં વડોદરામાં મહારાષ્ટ્રથી કોરોના કેવી રીતે આવ્યો તે તપાસનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના એક પરિવાસનો સભ્ય પૂણેમાં બીમાર થયો હતો. જેથી તેને લેવા માટે પરિવારના સાત સભ્યો વડોદરાથી પૂણે ગયા હતા. વડોદરા પરત ફર્યા બાદ સાતમાંથી ત્રણ સભ્યોની તબિયત લથડી હતી. તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. આ જાણીને આરોગ્ય વિભાગ પણ દોડતુ થયુ હતું. ત્રણમાંથી એક શખ્સની તબિયત લથડી હતી, જેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં શનિવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. જોકે, એક પણ વ્યક્તિનું નિધન થયું નથી. બીજી તરફ 16 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. વડોદરા કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 2, કચ્છ, રાજકોટમાં 2-2, સુરત અને વડોદરામાં 1-1-1 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 3,54,529 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં કોરોનાથી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. આજે 16 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધીમાં 8,15,246 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં, રાજ્યમાં અત્યાર સુધીમાં 18 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ જિલ્લાઓમાં અત્યારે એક પણ એક્ટિવ કેસ નથી. અત્યારે સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 6 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં 4, મધ્ય ગુજરાતમાં 4 અને દક્ષિણ ગુજરાતમાં 4 જિલ્લા કોરોનામુક્ત બન્યા છે.