Ahmedabad Plane Crash: પ્લેન ક્રેશમાં વડોદરાના યુવકનું મોત, બે દિવસ પહેલા જ લગ્ન થયા હતા
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો છે. અમદાવાદ પ્લેન ક્રેશના કારણે અનેક હસતા રમતા પરિવારો વેરવિખેર થઈ ગયા છે.

અમદાવાદ: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાથી ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ગયો છે. અમદાવાદ પ્લેન ક્રેશના કારણે અનેક હસતા રમતા પરિવારો વેરવિખેર થઈ ગયા છે. જ્યારે કેટલાય લોકોના સપના ચકનાચુર થયા છે. જેમાં એક વડોદરાના પરિવારની ખુશી પણ માતમમાં છવાઈ ગઈ છે. હજુ બે દિવસ પહેલા જ લગ્ન ગ્રંથીથી જોડાયેલા યુવકનું પ્લેન ક્રેશમાં મોત થયું છે. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં રહેતા મહેશ્વરી પરિવારના પુત્ર ભાવિક મહેશ્વરીના લગ્ન 10 જૂનના રોજ કોર્ટ મેરેજથી થયા હતા. જો કે લગ્નના બે દિવસ બાદ જ ભાવિક મહેશ્વરીનું પ્લેન ક્રેશમાં મોત થઈ ગયું.
ભાવિકની સગાઈ પહેલા થઈ ગઈ હતી
વડોદરાનો ભાવિક મહેશ્વરી છેલ્લા ઘણા સમયથી લંડનમાં કામ કરતો હતો. દર વર્ષે તે 15 દિવસ માટે વડોદરા પરિવારને મળવા માટે આવતો હતો. આ વર્ષે પણ તે લંડનથી વડોદરા આવ્યો હતો. ભાવિકની સગાઈ પહેલા થઈ ગઈ હતી અને પરિવારની સહમતિથી 10 જૂનના રોજ ભાવિકે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્નના બે દિવસ બાદ ભાવિક લંડન પરત જવા નીકળ્યો હતો.
બે દિવસ પહેલા જ યુવકના કોર્ટ મેરેજ થયા હતા
હાલ તો સમગ્ર પરિવારમાં ભારે કલ્પાંત જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા જ યુવકના કોર્ટ મેરેજ થયા હતા ત્યાં પણ પ્લેન ક્રેશમાં દર્દનાક મોત મળ્યું છે. ભાવિક 5 વર્ષથી લંડનમાં અભ્યાસ કરતો હતો. ભાવિક મહેશ્વરી એક સાથે ત્રણ પરિવારનો આધાર હતો. વડોદરાના વાડી વિસ્તારના મહેશ્વરી પરિવારનો દીપક બુઝાઈ ગયો છે.
12 જૂનના રોજ અમદાવાદમાં ભયાનક વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું બોઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં 242 મુસાફરો સવાર હતા. આ અકસ્માતમાં ઘણા લોકોના મોત થયા છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ જ વિમાનમાં સવાર હતા. આ અકસ્માતે સમગ્ર દેશમાં હડકંપ મચાવી દીધો છે.
ફ્લાઇટ લંડન જઈ રહી હતી
તમને જણાવી દઈએ કે અકસ્માતનો ભોગ બનેલું એર ઇન્ડિયાનું વિમાન 242 મુસાફરો સાથે અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. આ વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું. આ અકસ્માતમાં 297 લોકોના મોત થયા છે. તમને જણાવી દઈએ કે વિમાન બીજે મેડીકલ કોલેજની કેન્ટીનમાં અથડાયું હતું. વિમાનમાં રહેલા 241 મુસાફરોના મોત થયા છે. આ ઘટનામાં વિમાનમાં સવાર ફક્ત એક જ વ્યક્તિ બચી ગયો છે, જેની ઓળખ રમેશ વિશ્વાસ કુમાર તરીકે થઈ છે.





















