Tahawwur Rana Extradition: કોણ છે આ મિસ્ટ્રી ગર્લ, જે રાણાની સાથે પત્નીની જેમ રહેતી હતી?
Tahawwur Rana Extradition: 26/11ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો છે. હવે એનઆઈએ એક એવી રહસ્યમય મહિલાને ને શોધી રહી છે જે રાણા સાથે ભારત આવી હતી.

Tahawwur Rana Extradition: મુંબઈ 26/11ના આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાને આખરે ભારત લાવવામાં આવ્યો છે. તેને અમેરિકાથી પ્રત્યાર્પણ દ્વારા લાવવામાં આવ્યો હતો અને હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે. એનઆઈએની પૂછપરછ દરમિયાન, રાણાને મુંબઈ હુમલા, આઈએસઆઈ અને લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સાથેના તેના સંબંધોને લઈને ઘણા મહત્વપૂર્ણ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. પૂછપરછ દરમિયાન રાણા ઘણા ચોંકાવનારા ખુલાસા કરી રહ્યો છે, જે 26/11ના હુમલાના ષડયંત્ર અને તેમાં સંડોવાયેલા નેટવર્ક અંગે મહત્વની કડીઓ આપી શકે છે. દરમિયાન, NIA હવે એક મિસ્ટ્રી ગર્લને શોધી રહી છે.
TOIના રિપોર્ટ અનુસાર, જ્યારે રાણા ભારત આવ્યો ત્યારે આ મહિલા પણ તેની સાથે હાજર હતી. જો કે તેની ઓળખ હજુ સ્પષ્ટ થઈ નથી. એનઆઈએને શંકા છે કે, આ મહિલા પણ કોઈ ષડયંત્રનો ભાગ હોઈ શકે છે અથવા રાણાના સંપર્કો વિશે મહત્વપૂર્ણ માહિતી ધરાવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા ભારતમાં રાણા સાથે તેની પત્નીની જેમ રહેતી હતી.
કોર્ટે આ વાત રાણા વિશે કહી હતી
શુક્રવારે (11 એપ્રિલ) સાંજે, મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી તહવ્વુર રાણાને NIA કોર્ટે 18 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો હતો. એડિશનલ સેશન્સ જજ ચંદર જીત સિંહે આ ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે રાણાની સતત પૂછપરછ જરૂરી છે કારણ કે આ કેસમાં ઊંડું ષડયંત્ર બહાર આવી રહ્યું છે.
ષડયંત્ર ભારતની સરહદોની બહાર વિસ્તરેલું હતું અને દેશના અનેક શહેરોને (દિલ્હી જેવા) નિશાન બનાવવાની યોજના હતી. તેમણે વધુમાં કહ્યું કે, "દેશની સુરક્ષા સાથે જોડાયેલો આ મામલો ખૂબ જ ગંભીર છે. તેથી સત્ય સુધી પહોંચવા માટે રાણાની સંપૂર્ણ પૂછપરછ કરવી જરૂરી છે."
NIAની ટીમ રાણાના નજીકના સહયોગીઓને શોધી રહી છે
એનઆઈએ રાણાની સાથે સંકળાયેલા લોકો વિશે પણ પૂછપરછ કરી રહી છે અને તે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું ભારતમાં અન્ય કોઈ આતંકી હુમલાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ સરકારી સૂત્રોએ જણાવ્યું કે રાણા પૂછપરછમાં NIAને મદદ કરી રહ્યો નથી અને અસ્પષ્ટ જવાબો આપીને સમય બગાડી રહ્યો છે. તે 'મને ખબર નથી', 'મને યાદ નથી' જેવા જવાબો આપી રહ્યા છે.




















