કેનેડાની ચૂંટણીમાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીની જીત, ભારત સાથેના સંબંધો પર શું થશે અસર?
કેનેડામાં સામાન્ય ચૂંટણીઓમાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ જીત મેળવી છે, જેનાથી ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆતની શક્યતા વધી ગઈ છે

કેનેડામાં સામાન્ય ચૂંટણીઓમાં માર્ક કાર્નીની લિબરલ પાર્ટીએ જીત મેળવી છે, જેનાથી ભારત-કેનેડા સંબંધોમાં નવી શરૂઆતની શક્યતા વધી ગઈ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બની ગયા હતા, ખાસ કરીને જ્યારે ટ્રુડો સરકારે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા.
માર્ક કાર્નીની સત્તામાં વાપસી થઇ છે ત્યારે તેમની પાસે સંતુલિત અને વ્યવહારિક વિદેશ નીતિ હોવાની અપેક્ષા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે ભારતને "ખૂબ જ મહત્વપૂર્ણ ભાગીદાર" ગણાવ્યું હતું અને સંબંધો સુધારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
કેનેડાની ચૂંટણીઓમાં માર્ક કાર્ની અને લિબરલ પાર્ટીની જીતથી ભારત સાથેના સંબંધો ફરીથી સ્થાપિત કરવાની દિશામાં પગલા ભરી દેવામાં આવ્યા છે. રાજકીય રીતે નવોદિત કાર્નીએ તાજેતરમાં કહ્યું હતું કે, "હું સંકટના સમયમાં ખૂબ ઉપયોગી થાઉ છું અને તેમની જીત ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં સંભવિત સુધારાનો સંકેત આપે છે જે ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના શાસનકાળમાં નોંધપાત્ર રીતે ખરાબ થયા હતા. માર્ક કાર્નીએ તેમના ચૂંટણી પ્રચારમાં ભારત સાથેના સંબંધોને ફરીથી સ્થાપિત કરવાને પ્રાથમિકતા તરીકે ઓળખાવી હતી.
તેમણે કહ્યું હતું કે "કેનેડા જે કરવા માંગશે તે સમાન વિચારધારા ધરાવતા દેશો સાથેના અમારા વેપાર સંબંધોમાં વૈવિધ્ય લાવવાનું છે અને ભારત સાથેના સંબંધોને પુનઃનિર્માણ કરવાની તકો છે. તે વ્યાપારી સંબંધની આસપાસ મૂલ્યોની સહિયારી ભાવના હોવી જરૂરી છે અને જો હું વડાપ્રધાન બનું છું તો હું તે બનાવવાની તકની રાહ જોઉં છું,"
રાજદ્વારી પરિણામ
જૂન 2023માં બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર કેનેડિયન નાગરિક અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં "ભારતીય એજન્ટો" સામેલ હોવાના ટ્રુડો સરકારે આરોપ લગાવ્યા બાદ 2023માં ભારત-કેનેડા સંબંધો તેના નીચલા સ્તરે પહોંચ્યા હતા.
ઓક્ટોબર 2024માં કેનેડાએ છ ભારતીય રાજદ્વારીઓને હાંકી કાઢ્યા ત્યારે તણાવ વધુ વધ્યો હતો. ભારતે નિજ્જરની હત્યામાં કોઈપણ સંડોવણીનો ઇનકાર કર્યો અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. આ પરિણામને કારણે બંને દેશોએ ટોચના રાજદૂતોને હાંકી કાઢ્યા, વેપાર વાટાઘાટો પર રોક લગાવી દીધી હતી અને સત્તાવાર મુલાકાતો સ્થગિત કરવામાં આવી હતી.
નવી દિલ્હી લાંબા સમયથી ઓટ્ટાવા પર કેનેડાના શીખ ડાયસ્પોરામાં ઉગ્રવાદને સહન કરવાનો આરોપ લગાવી રહી હતી. ભારતીય અધિકારીઓ ટ્રુડોની સરકારને અલગતાવાદી વાણી-વર્તનને ખૂબ જ અનુકૂળ અને જાહેરમાં ભારતની નિંદા કરવામાં ખૂબ જ ઉતાવળ કરનાર તરીકે જોતા હતા. આ પૃષ્ઠભૂમિ સામે બંને રાજધાનીઓમાં કાર્નીની જીત પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે.
માર્ક કાર્નીનું વિઝન
60 વર્ષીય માર્ક કાર્ની બેન્ક ઓફ કેનેડા અને બેન્ક ઓફ ઇંગ્લેન્ડ બંનેનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેમના અભિયાનમાં રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને તેના નજીકના વેપારી ભાગીદાર યુનાઇટેડ સ્ટેટ્સ તરફથી ટેરિફ ધમકીઓને ધ્યાનમાં રાખીને કેનેડાના વિદેશી જોડાણોને સુધારવાની હાકલ કરવામાં આવી હતી.
માર્ક કાર્નીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કેનેડિયન સ્વાયત્તતા માટે ખતરો ગણાવ્યા હતા અને જાહેરાત કરી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પ આપણને તોડવા માંગે છે જેથી અમેરિકા આપણને માલિક બનાવી શકે." જવાબમાં તેમણે કેનેડાના વેપાર સંબંધોમાં વૈવિધ્ય લાવવાનું વચન આપ્યું હતું, ખાસ કરીને ભારતને એક મુખ્ય ભાગીદાર તરીકે નામ આપ્યું હતું.
માર્ક કાર્નીએ સતત કહ્યું છે કે કેનેડાને સમાન લોકશાહી મૂલ્યો સાથે વ્યાપારી ભાગીદારીની જરૂર છે અને તાજેતરના ઘર્ષણ છતાં ભારત એક આવશ્યક ભાગીદાર છે. "અલગ અલગ વ્યક્તિ, અલગ નીતિઓ, શાસન પ્રત્યેનો અલગ અભિગમ છે. તેમણે ફેબ્રુઆરીમાં ટોરન્ટો સ્ટારને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કરી હતી.
ડાયસ્પોરા ફેક્ટર
ભારત સરકાર લાંબા સમયથી એવું માનતી આવી છે કે તેની પ્રાથમિક ચિંતા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું રક્ષણ છે. તે વિદેશમાં ખાલિસ્તાની તત્વોને ટેકો આપવાને, ખાસ કરીને રેલીઓ, સોશિયલ મીડિયા પ્રચાર અને કથિત ભંડોળ ઊભું કરવાના નેટવર્કના સ્વરૂપમાં, રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો માને છે. ટ્રુડોને ઘણા લોકોએ એક એવા નેતા તરીકે જોયા જે ભારતીય ચિંતાઓ પર કાર્યવાહી કરવા માટે ખૂબ જ અનિચ્છા ધરાવતા હતા. ખાસ કરીને જ્યારે શીખ અલગતાવાદીઓ હિન્દુ મંદિરોમાં તોડફોડ કરતા જોવા મળ્યા હતા.
ભારત કેનેડામાં ઇમિગ્રન્ટ્સના સૌથી મોટા સ્ત્રોતોમાંનો એક છે. પ્રવાસી ભારતીયો અને ઇન્ડો-કેનેડિયન સમુદાયની સંખ્યા અસ્થાયી શ્રમિકો, વિદ્યાર્થીઓ અથવા સ્થાયી પ્રવાસીઓના રૂપમાં લગભગ 2.8 મિલિયન છે. એકલા વિદ્યાર્થીની સંખ્યા જેનો અંદાજ 427,000 થી વધુ છે, તે કેનેડાના શિક્ષણ અને શ્રમ બજારમાં મોટી ભૂમિકા ભજવે છે.
ટ્રુડોના શાસનકાળમાં રાજદ્વારી સ્તરે સંબંધો ખરાબ થઇ શકે છે પરંતુ ભારતમાંથી ઇમિગ્રેશન ઊંચું રહ્યું. કાર્ની પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે આ નિતિને જાળવી રાખે ખાસ કરીને કુશળ વ્યાવસાયિકો, ટેકનિકલ કામદારો અને વિદ્યાર્થીઓ માટે.
ફરીથી વેપારની શરૂઆત
ફૂટનિતિક વિવાદનો એક શિકાર કેનેડા અને ભારત વચ્ચે અટકેલો વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) હતો. આ વેપાર કરાર વર્ષોથી વાટાઘાટો હેઠળ હતો પરંતુ નિજ્જરના આરોપો અને પારસ્પરિક હકાલપટ્ટીને કારણે તેને સ્થગિત કરવામાં આવ્યો હતો. કાર્નીની ટિપ્પણી સીઇપીએને ફરીથી કાર્યરત કરવાના સંકેતો આપે છે. 2023માં દ્વિપક્ષીય સેવાઓ વેપાર CAD 13.49 બિલિયન હતો. બંને સરકારોએ અગાઉ AI, ફિનટેક, ગ્રીન એનર્જી અને ઉચ્ચ શિક્ષણમાં સહયોગ વધારવાની શોધ કરી હતી. શ્રી કાર્નીના નેતૃત્વ હેઠળ આ ક્ષેત્રો ફરીથી આકર્ષણ મેળવી શકે છે, ખાસ કરીને જ્યારે બંને અર્થતંત્રો ચીન અને અમેરિકા પર નિર્ભરતા ઘટાડવા માંગે છે.




















