ઓસ્ટ્રેલિયા જવા માંગતા ગુજરાતીઓ સહિત ૬ રાજ્યોના વિદ્યાર્થીઓને મોટો ઝટકો, વિઝા પર લગાવ્યા પ્રતિબંધ
સ્ટુડન્ટ વિઝાની આડમાં છેતરપિંડીનો વધતો ગ્રાફ કારણભૂત, ગુજરાત, પંજાબ, હરિયાણાના વિદ્યાર્થીઓ વધુ પ્રભાવિત, વાસ્તવિક વિદ્યાર્થીઓમાં નિરાશા.

Australia visa ban Gujarat: અમેરિકા અને કેનેડા બાદ હવે ઓસ્ટ્રેલિયાએ પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ માટે, સ્ટુડન્ટ વિઝાના નિયમોને કડક બનાવ્યા છે. આ નિર્ણય એવા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટો ઝટકો છે જેઓ ઉચ્ચ શિક્ષણ માટે ઓસ્ટ્રેલિયા જવાનું સપનું જોઈ રહ્યા છે, ખાસ કરીને ગુજરાત સહિત છ રાજ્યોના વિદ્યાર્થીઓ માટે.
મળતી માહિતી મુજબ, ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશને પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને જમ્મુ-કશ્મીર - આ છ રાજ્યોમાંથી આવતા અરજદારો માટે નિયમો વધુ કડક બનાવ્યા છે અને અમુક પ્રતિબંધો પણ મૂક્યા છે. ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશનનું કહેવું છે કે આ રાજ્યોમાંથી સ્ટુડન્ટ વિઝાની આડમાં છેતરપિંડી કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. ઓથોરિટીએ ચિંતા વ્યક્ત કરી છે કે આ રાજ્યોમાંથી આવતા લોકો શૈક્ષણિક લક્ષ્યો પૂરા કરવાને બદલે સ્ટુડન્ટ વિઝાનો ઉપયોગ કાયમી નિવાસ (પરમેનેન્ટ રેસિડેન્સી) મેળવવાના માર્ગ તરીકે કરી રહ્યા છે, જે નિયમોનો દુરૂપયોગ છે.
આ સ્થિતિને જોતા, ઘણી ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓએ કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. કેટલીક યુનિવર્સિટીઓએ આ પ્રદેશોમાંથી આવતી અરજીઓ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જ્યારે અન્યોએ વધુ કડક તપાસ અને ચકાસણી પ્રક્રિયાઓ શરૂ કરી છે. ઇમિગ્રેશન ઓફિસરોએ જણાવ્યું છે કે અપ્રમાણિક અરજીઓનો આ ધસારો ઓસ્ટ્રેલિયાની શૈક્ષણિક સંસ્થાઓની પ્રતિષ્ઠા અને અખંડિતતા માટે જોખમ સમાન છે. આ સમસ્યાને પહોંચી વળવા માટે, યુનિવર્સિટીઓ ઇમિગ્રેશન અધિકારીઓ સાથે સહયોગ કરી રહી છે જેથી ફક્ત કાયદેસર અને પ્રમાણિક વિદ્યાર્થીઓને જ વિઝા મળી શકે. જોકે, આ નિર્ણયથી વાસ્તવમાં અભ્યાસ અર્થે અરજી કરતાં ભારતીય વિદ્યાર્થીઓમાં હતાશા અને નિરાશા ફેલાઈ છે.
ઓસ્ટ્રેલિયાના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો હંમેશા વધુ રહ્યો છે. પરંતુ વર્તમાન વિઝા પ્રતિબંધોના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ, ખાસ કરીને ગુજરાત, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોના વિદ્યાર્થીઓનું વિદેશ ભણવા જવાનું સપનું રોળાઈ શકે છે. નોંધનીય છે કે કોવિડ મહામારી બાદ કેનેડામાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનો મોટો પ્રવાહ આવતા તેણે પણ સ્ટુડન્ટ વિઝા અને ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા હતા. આ વર્ષે ટ્રમ્પ સરકારના રાજમાં અમેરિકાના ઇમિગ્રેશન વિઝા નિયમો પણ કડક બન્યા છે. હવે ઓસ્ટ્રેલિયાએ પણ આ રાહ અપનાવતા વિદેશ ભણવા ઇચ્છુકોની મુશ્કેલી વધી છે.
ઓસ્ટ્રેલિયામાં વિક્ટોરિયા યુનિવર્સિટી, વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ અને ટોરેન્સ યુનિવર્સિટી જેવી સંસ્થાઓએ આ રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે અથવા ખૂબ કડક માપદંડો લાગુ કર્યા છે. અગાઉ પણ ફેબ્રુઆરી ૨૦૨૩માં એડિથ કોવાન યુનિવર્સિટીએ પંજાબ અને હરિયાણાના વિદ્યાર્થીઓ માટે વિઝા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો હતો. યુનિવર્સિટીઓનું કહેવું છે કે તેઓ એવા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવા માંગે છે જેઓ ખરેખર અભ્યાસના હેતુ માટે આવે છે અને માત્ર રોજગારની શોધમાં નથી.
ઓસ્ટ્રેલિયાની સરકારે સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ સરકાર દ્વારા લાગુ કરાયો નથી, પરંતુ યુનિવર્સિટીઓ પોતાના સ્તરે જોખમ વ્યવસ્થાપન અને આંતરિક નીતિઓ હેઠળ આ નિર્ણય લઈ રહી છે. ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર બેરી ઓ'ફેરેલે પણ અગાઉ વિદ્યાર્થીઓને નકલી દસ્તાવેજોનો ઉપયોગ ન કરવા અને ગેરમાર્ગે દોરતા એજન્ટોથી સાવધાન રહેવાની ચેતવણી આપી હતી.
આ નિર્ણય એવા ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટો ફટકો છે જેઓ અમેરિકા અને કેનેડા જેવા દેશોમાં વિઝા અસ્વીકાર દરમાં વધારો થવાને કારણે ઓસ્ટ્રેલિયાને વધુ સારો વિકલ્પ માની રહ્યા હતા. તાજેતરમાં, અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓનો વિઝા અસ્વીકાર દર ૨૪ ટકા સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા એક દાયકામાં સૌથી વધુ છે. કેનેડામાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તે છે, જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા તરફ વળ્યા હતા, પરંતુ હવે ત્યાં પણ નિયમો કડક થતાં પરિસ્થિતિ વધુ પડકારજનક બની છે.





















