
યુકેના પીએમ પદની રેસમાંથી બોરિસ જોન્સન ખસી ગયા, જીતની ખૂબ નજીક પહોંચ્યા ભારતીય મૂળના ઋષિ સુનક
વાસ્તવમાં, લિઝ ટ્રુસે ગુરુવારે (20 ઓક્ટોબર) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રાજકીય સંકટ વધી ગયું છે. દેશે ફરીથી પોતાનો વડાપ્રધાન પસંદ કરવાનો છે.

Britain Political Crisis: યુનાઇટેડ કિંગડમમાં ભારતીય મૂળના પ્રથમ વડાપ્રધાન બનવાનો માર્ગ લગભગ સાફ થઇ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બ્રિટનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને પોતાને પીએમ પદની રેસથી દૂર કરી દીધા છે. તેમના નિર્ણય બાદ હવે ભારતીય મૂળના ઋષિ સુનક જીતની ખૂબ નજીક આવી ગયા છે.
ટેકો હોવાનો દાવો કરવા છતાં બોરિસ જ્હોન્સને કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વની રેસમાંથી પોતાને બહાર ખેંચી લીધા છે. જોન્સને પોતાના નિર્ણય વિશે કહ્યું કે આવું કરવું યોગ્ય નથી કારણ કે જ્યાં સુધી તમારી પાસે સંસદમાં એકીકૃત પક્ષ ન હોય ત્યાં સુધી તમે અસરકારક રીતે શાસન કરી શકતા નથી.
પીએમ રેસમાં ઋષિ સુનક સૌથી આગળ
વાસ્તવમાં, લિઝ ટ્રુસે ગુરુવારે (20 ઓક્ટોબર) વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ફરી એકવાર અહીં રાજકીય સંકટ વધી ગયું છે. દેશે ફરીથી પોતાનો વડાપ્રધાન પસંદ કરવાનો છે. પીએમ પદની રેસમાં ઘણા નામો છે, પરંતુ બે નામ એવા છે જે સૌથી આગળ ચાલી રહ્યા હતા. જેમાં ભારતીય મૂળના ઋષિ સુનક અને પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સનનું નામ હતું. હવે બોરિસ જોન્સને ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
સુનકે ઉમેદવારી જાહેર કરી
ભારતીય મૂળના બ્રિટિશ સાંસદ ઋષિ સુનક ફરી એકવાર બ્રિટનના પીએમ પદની રેસમાં જોડાયા છે. યુકેના ભૂતપૂર્વ નાણાપ્રધાન સુનકે રવિવારે (23 ઓક્ટોબર) ના રોજ પીએમ પદ માટે તેમની ઉમેદવારીની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે કન્ઝર્વેટિવ પાર્ટીના 128 સાંસદ સુનકને સમર્થન આપી રહ્યા છે, જે પીએમ બનવા માટેના ન્યૂનતમ 100ના આંકડાથી ઘણા વધારે છે.
નોંધનીય છે કે, થોડા સમય પહેલા સુનક જોન્સન સરકારમાં નાણા મંત્રી તરીકે કામ કરી રહ્યા હતા. બાદમાં સુનકે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને રાજીનામું આપી દીધું. જે બાદ અન્ય સાંસદો પણ ચાલ્યા ગયા હતા. આવી સ્થિતિમાં જોન્સને પીએમ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. લિઝ ટ્રસ નવા PM બન્યા. જો કે, તે લાંબા સમય સુધી સરકાર ચલાવી શકી ન હતી અને મિની બજેટમાં આર્થિક નિર્ણયોને કારણે વિવાદમાં આવી ગઈ હતી અને 45 દિવસ પછી રાજીનામું આપવું પડ્યું હતું. હવે ફરી એકવાર નવા પીએમ માટે કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની પસંદગી કરવાની કવાયત તેજ થઈ ગઈ છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
