અમેરિકાની મુશ્કેલી ચીન માટે તક: ટ્રમ્પએ H-1B વિઝા ફી વધારી, તો ચીને 'K વિઝા' સર્વિસ શરૂ કરી
ચીનનો નવો 'K વિઝા' STEM પ્રોફેશનલ્સ માટે વધુ લવચીક અને લાંબા ગાળાની સુવિધા આપશે, જે 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.

China K-Visa features: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા માટે ફીમાં ભારે વધારો કરીને લાખો યુવા વ્યાવસાયિકો અને સ્ટાર્ટઅપ્સ માટે મુશ્કેલી ઊભી કરી છે. આ જ પરિસ્થિતિનો લાભ લેવા માટે ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીને વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રના પ્રોફેશનલ્સને આકર્ષવા માટે નવી 'K વિઝા' શ્રેણી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ વિઝા અન્ય વિઝા કરતાં વધુ લવચીક અને સરળ હશે, જે 1 ઓક્ટોબર, 2025થી અમલમાં આવશે.
અમેરિકાની નીતિ અને ચીનનો ત્વરિત પ્રતિસાદ
તાજેતરમાં, ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા માટે ફીમાં (Trump H1B fee hike) કરવામાં આવેલા વધારાથી વિદેશી પ્રોફેશનલ્સને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અગાઉ આ વિઝા માટે ₹6 લાખનો ખર્ચ થતો હતો, જે હવે વધીને લગભગ ₹8.8 મિલિયન થઈ ગયો છે. અમેરિકાની આ કડક વિઝા નીતિનો લાભ લઈને ચીને તક જોઈ છે. ચીની સરકારે વિદેશી પ્રતિભાને આકર્ષવા માટે નવી 'K વિઝા' સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે, જે સીધા જ યુવા વ્યાવસાયિકો અને સંશોધકોને નિશાન બનાવી રહી છે.
ચીનના 'K વિઝા'ની વિશેષતાઓ
NDTVના અહેવાલ મુજબ, ચીનનો નવો 'K વિઝા' તેની હાલની અન્ય 12 વિઝા શ્રેણીઓ કરતાં વધુ લવચીક છે. આ વિઝા વિદેશીઓને ચીનમાં લાંબા સમય સુધી રહેવાની, પ્રવેશ અને બહાર નીકળવાની તેમજ રહેઠાણની અવધિમાં રાહત આપે છે. હાલમાં, ચીનમાં કામ કરવા માટે વપરાતા 'R' અને 'Z' વિઝાની માન્યતા મર્યાદિત છે (અનુક્રમે 180 દિવસ અને 1 વર્ષ), જ્યારે 'K વિઝા' સાથે આ પ્રકારના કોઈ નિયંત્રણો નથી. આ વિઝા ધારકોને શિક્ષણ, સંસ્કૃતિ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિક પ્રવૃત્તિઓમાં જોડાવાની પણ મંજૂરી આપવામાં આવશે.
સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના જણાવ્યા મુજબ, આ વિઝા ખાસ કરીને STEM (વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, ગણિત) ક્ષેત્રોના યુવા પ્રોફેશનલ્સ અને સંશોધકો માટે છે. આ વિઝા મેળવવાની પ્રક્રિયા પણ સરળ છે, અને તે સ્થાનિક કંપનીના આમંત્રણને બદલે અરજદારની લાયકાત અને અનુભવના આધારે જારી કરવામાં આવશે. આ નિર્ણય ઓગસ્ટમાં જ લેવાયો હતો અને હવે તે 1 ઓક્ટોબર, 2025થી અમલમાં આવશે. ચીનની આ નવી નીતિનો હેતુ વૈશ્વિક સ્તરે પ્રતિભાને આકર્ષીને ટેકનોલોજી અને વિજ્ઞાનમાં પોતાનું સ્થાન મજબૂત કરવાનો છે.





















