(Source: ECI/ABP News/ABP Majha)
CIA : 'ખુલ્લી બારી'માંથી આવશે પુતિન સામે બળવો કરનાર પ્રિગોઝિનનું મોત? જાણો કારણ
રશિયામાં હાલ તો શાંતિ છે અને ઘણા લોકો તેને તોફાન પહેલાની શાંતિ તરીકે જોઈ રહ્યાં છે. ગત શનિવારે વેગનર ચીફના વડા યેવજેની પ્રિગોઝિને બળવાનો પ્રયાસ કર્યો હતો.
Warns Former CIA Chief : અમેરિકન આર્મીના રિટાયર્ડ જનરલ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના ભૂતપૂર્વ વડા ડેવિડ પેટ્રાયસે રશિયાની ખાનગી સેના વેગનરના વડા યેવજેની પ્રિગોઝિનને સાવચેત રહેવાની ચેતવણી આપી છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે, યેવજેની પ્રિગોઝિનની હત્યા થઈ શકે છે.
રશિયામાં હાલ તો શાંતિ છે અને ઘણા લોકો તેને તોફાન પહેલાની શાંતિ તરીકે જોઈ રહ્યાં છે. ગત શનિવારે વેગનર ચીફના વડા યેવજેની પ્રિગોઝિને બળવાનો પ્રયાસ કર્યો હતો. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેને દેશદ્રોહ ગણાવ્યો હતો. સાંજ સુધીમાં પ્રિગોઝિને જાહેરાત કરી દીધી હતી કે તેની સેના મોસ્કો તરફ આગળ વધશે નહીં. બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ મધ્યસ્થી કરી અને આખો મામલો થાળે પડ્યો હતો. પરંતુ આ બળવાના કારણે શક્તિશાળી નેતા તરીકેની પુતિનની છબી થોડી નબળી પડી છે. નિષ્ણાતોના મતે, ઓલ ઈઝ વેલ નથી. પુતિન એવા નેતા છે જે ક્યારેય છેતરપિંડીને ભૂલતા નથી. અમેરિકી ગુપ્તચર એજન્સી CIAના પૂર્વ વડાએ પણ પ્રિગોઝિનને ચેતવણી આપી છે.
પ્રિગોઝિન માટે જોખમ
CIAના ભૂતપૂર્વ ડિરેક્ટર ડેવિડ પેટ્રાયસનું નિવેદન પ્રિગોઝિન માટે ખતરાની ઘંટી સમાન છે. સીએનએનના 'સ્ટેટ ઓફ ધ યુનિયન' પર બોલતા, નિવૃત્ત જનરલ પેટ્રાયસે કહ્યું હતું કે, વેગનર ગ્રુપના વડા યેવજેની પ્રિગોઝિને ખુલ્લી બારીઓની આસપાસ ખૂબ કાળજી રાખવી જોઈએ. તેમણે કહ્યું હતું કે, કોઈએ એ ન ભૂલવું જોઈએ કે, કેવી રીતે છેલ્લા કેટલાક દિવસોમાં પુતિનના વિરોધીઓ બારીઓમાંથી નીચે પડીને મૃત્યુ પામ્યા છે. તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે તદ્દન રહસ્યમય રહ્યું છે.
પ્રિગોઝિન શા માટે મૌન?
મોસ્કો પર કૂચ રોકવાના કરારના ભાગરૂપે પ્રિગોઝિન બેલારુસમાં દેશનિકાલમાં જવા સંમત થયા. પુતિનના ખાસ મિત્ર એવા રાષ્ટ્રપતિ લુકાશેન્કોને આ ડીલના હિરો તરીકે ઓળખવામાં આવી રહ્યા છે. લુકાશેન્કોએ વેગનરના સૈનિકો અને ક્રેમલિન વચ્ચેના સોદાનો શ્રેય પણ લીધો છે. ક્રેમલિન સાથે દેશનિકાલમાં જવા માટેના કરાર પર પહોંચ્યા પછી બેલારુસમાં પ્રિગોઝિનના આગમન વિશે હજી કોઈ માહિતી નથી. પ્રિગોઝિન પણ હાલ મૌન છે.
પુતિન છેતરપિંડી ક્યારેય ભૂલતા નથી
રશિયાના કોમર્સન્ટ અખબારે પણ કહ્યું છે કે, સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ આવ્યો નથી અને FSB તેની તપાસ યથાવત રાખી રહ્યું છે. કરાર બાદ પ્રિગોઝિને રોસ્ટોવમાંથી વેગનરના લડવૈયાઓને પાછા ખેંચી લીધા. તેઓ બધા યુક્રેન પાછા ફર્યા જ્યાં એક સમયે પુતિનની નજીકના પ્રિગોઝિન હવે તેમના સૌથી મોટા વિરોધી બની ગયા છે. પુતિનનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહી રહ્યાં છે કે, તે બધું માફ કરી શકે છે પરંતુ વિશ્વાસઘાતને પણ માફ ના કરી શકે.