Coronavirus: કોરોનાથી સંક્રમિત થયા બાદ કોમામાં સરી પડેલી આ નર્સનો જીવ વાયગ્રાએ બચાવ્યો, જાણો વિગત
ઇંગ્લેન્ડના લિંકનશાયરના ગેન્સબોરોની નર્સ મોનિકાએ જણાવ્યું કે જ્યારે હું કોમામાંથી બહાર આવી ત્યારે ડોક્ટરે મને કહ્યું કે વાયગ્રાથી મારો જીવ બચી ગયો છે. શરૂઆતમાં મને આ બધી મજાક લાગી.
Coronavirus Update: ભારત સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન લંડનમાં એક ચોંકવનારો મામલો સામે આવ્યો છે. જીવલેણ વાયરસ કોરોનાને કારણે કોમામાં જતી મહિલા નર્સ (nurse) માટે વાયગ્રાએ (Viagra) જીવનરક્ષક તરીકે કામ કર્યું. 37 વર્ષની મોનિકા અલ્મેડા 45 દિવસથી કોમામાં હતી અને તે હોશમાં આવી શકી ન હતી, પરંતુ તેને વાયગ્રાનો ડોઝ આપવામાં આવતાં જ તે થોડા સમય પછી હોશમાં આવી ગઈ હતી. વાયગ્રા આપવાનો વિચાર મોનિકાના સહકર્મીઓનો હતો.
કોરોનાથી સંક્રમિત થયા બાદ શું થયું
'ધ સન'માં પ્રકાશિત એક સમાચાર અનુસાર, મોનિકા નામની નર્સ NHS લિંકનશાયરમાં સતત કોરોના દર્દીઓની સારવાર કરી રહી હતી. આ દરમિયાન તે ઓક્ટોબરમાં કોરોનાની ઝપેટમાં આવી હતી. ધીરે ધીરે તેની તબિયત વધુ બગડવા લાગી અને લોહીની ઉલ્ટી પણ થવા લાગી. જે બાદ તેણે હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. ત્યાંથી તેને ટૂંક સમયમાં રજા આપવામાં આવી. પરંતુ થોડા દિવસો પછી મોનિકાને ફરીથી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જે બાદ તે ફરીથી હોસ્પિટલ દાખલ થઈ. ત્યાં તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેનું ઓક્સિજનનું સ્તર સતત ઘટી રહ્યું હતું, જેના પછી તેમને ICUમાં દાખલ કરવી પપડી હતી. 16 નવેમ્બરે તે કોમામાં સરી પડી હતી.
વાયગ્રાના હેવી ડોઝે બચાવી
આ પછી ડોક્ટરોએ ઘણી કોશિશ કરી પરંતુ તે હોશમાં આવી શકી નહીં. કંટાળી ગયેલા મોનિકાના સાથીઓએ તેને વાયગ્રાનો ભારે ડોઝ આપવાનું નક્કી કર્યું અને તેણે અદ્ભુત કામ કર્યું. વાયગ્રાનો ડોઝ આપ્યાના થોડા જ સમયમાં તેણી ભાનમાં આવી. ઇંગ્લેન્ડના લિંકનશાયરના ગેન્સબોરોની નર્સ મોનિકાએ જણાવ્યું કે જ્યારે હું કોમામાંથી બહાર આવી ત્યારે ડોક્ટરે મને કહ્યું કે વાયગ્રાથી મારો જીવ બચી ગયો છે. શરૂઆતમાં મને આ બધી મજાક લાગી. પરંતુ તેણે કહ્યું કે વાસ્તવમાં મને વાયગ્રાનો હેવી ડોઝ આપવામાં આવ્યો છે.

