(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: વિશ્વના આ જાણીતા દેશમાં એક જ દિવસમાં કોરોનાના નવા 54 હજારથી વધુ કેસ નોંધાતા ફફડાટ, ડેલ્ટા વેરિયંટની અસર થઈ શરૂ
યુકેના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહની સરખામણીમાં કોરોનાના કેસોમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. જો કે, હોસ્પિટલાઇઝેશન અને મરણાંક તેટલા પ્રમાણમાં વધ્યા નથી.
લંડન : ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી છે અને ઘણા રાજ્યોએ પ્રતિબંધોમાં છૂટ આપી છે. જેની સાથે જ રોજબરોજ જે તે રાજ્યના જાણીતા ટુરિસ્ટ સ્પોટ કે માર્કેટમાં મોટી ભીડ જોવા મળી રહી છે. જે કોરોનાને આમંત્રણ આપી શકે છે. વિશ્વના ઘણા દેશોએ રસીકરણ નાગરિકો માટે નિયમો હળવા કર્યા છે પરંતુ હવે તેની અસર હવે જોવા મળી છે. આ દેશોમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાનો જાણે કે વિસ્ફોટ થયો હોય તેમ કેસની સંખ્યા વધવા લાગી છે.
ડેલ્ટા વેરિયંટના કેસોમાં પણ મોટો ઉછાળો આવતા ઘણાં દેશોમાં કોરોના મહામારીનો હાહાકાર વધી રહ્યો છે. રશિયા, યુકે, જાપાને અને ઇન્ડોનેશિયામાં કોરોનાના નવા કેસોની સંખ્યા વધી જતાં લોકો ફરી ચિંતામાં મુકાઇ ગયા છે. ટોક્યોમાં ઓલિમ્પિક્સનું આયોજન થવાનું છે ત્યાં એક જ દિવસમાં 950 કેસ નોંધાયા હતા. થોડા દિવસ પહેલા ત્યાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. જેના કારણે હવે ખાલી સ્ટેડિયમમાં જ રમતોત્સવનું આયોજન થશે.
યુકેના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહની સરખામણીમાં કોરોનાના કેસોમાં 32 ટકાનો વધારો નોંધાયો છે. જો કે, હોસ્પિટલાઇઝેશન અને મરણાંક તેટલા પ્રમાણમાં વધ્યા નથી. શુક્રવારે યુકેમાં કોરોનાના નવા 54,268 કેસો નોંધાયા હતા. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીની ચીફ એક્ઝિક્યુટિવ ડો. જેની હેરિસે જણાવ્યું હતું કે કોરોનાની રસીના બે ડોઝ લેનારાઓને ડેલ્ટા વેરિઅન્ટ સામે રક્ષણ મળી રહ્યું હોવાને કારણે મરણાંક નવા કેસોની સંખ્યાના પ્રમાણમાં વધ્યો નથી. જો કે, તેમણે ઉમેર્યું હતું કે રસી સારૂં રક્ષણ પુરૂ પાડે છે પણ તે 100 ટકા રક્ષણ પુરી પાડતી નથી.
વર્લ્ડોમીટર પ્રમાણે દુનિયામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2,31,744 કેસો નોંધાવાને પગલે કોરોનાના કુલ કેસોની સંખ્યા 187,051,331 થઇ હતી.જ્યારે 3441 જણાના મોત થવાને પગલે કોરોનાનો કુલ મરણાંક 40,38,460 થયો હતો.
ગુજરાતમાં કેટલા લોકો છે ક્વોરન્ટાઈન
રાજ્યમાં કોરોનાના કુલ કેસ ૮,૨૪,૨૦૦ છે જ્યારે કુલ મરણાંક ૧૦,૦૭૩ છે. હાલમાં ૧૧૫૧ એક્ટિવ કેસ છે જ્યારે ૮ દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૨૫૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ ૮,૧૨,૯૭૬ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર ૯૮.૬૪% છે. વધુ ૫૫,૯૯૨ ટેસ્ટ સાથે કુલ ટેસ્ટનો આંક ૨.૪૧ કરોડ છે. હાલ રાજ્યમાં ૮૩૪૬ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.