6 મહિના પછી ન્યૂઝીલેન્ડમાં નોંધાયો કોરોનાનો પ્રથમ કેસ, સમગ્ર દેશમાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત
આ લોકડાઉનમાં ફક્ત આવશ્યક સેવાઓને જ તેમનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે.
ન્યૂઝીલેન્ડમાં 6 મહિના બાદ કોરોનાનો પહેલો કેસ નોંધાયો છે. કોરોનાનો આ કેસ સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડના પીએમ જેસિન્ડા આર્ડેને દેશભરમાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે. કોરોનાનો આ કેસ મંગળવારે ઓકલેન્ડ, ન્યૂઝીલેન્ડમાં પ્રકાશમાં આવ્યો હતો. જે બાદ દેશભરમાં ત્રણ દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઓકલેન્ડમાં જોવા મળતો આ કેસ કોરોનાના ડેલ્ટા વેરિએન્ટનો હોઇ શકે છે.
ઓકલેન્ડમાં સાત દિવસનું લોકડાઉન
ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડર્ને વેલિંગ્ટનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. જ્યારે ઓકલેન્ડ અને નજીકના કોરોમંડલ (જ્યાં ચેપગ્રસ્ત વ્યક્તિ ગયો હતો)માં સાત દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ન્યુઝીલેન્ડમાં આ લોકડાઉન દરમિયાન શાળાઓ, જાહેર સ્થળો અને વ્યવસાયો બંધ રહેશે. આ લોકડાઉનમાં ફક્ત આવશ્યક સેવાઓને જ તેમનું કામ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવશે. લોકોને ઘરેથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ જો બહાર જવાની જરૂર હોય તો માસ્કનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.
ચેપનો સ્ત્રોત શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે
કોરોના વેવ દરમિયાન ન્યૂઝીલેન્ડે શાનદાર કામ કર્યું. આ જ કારણ છે કે ફેબ્રુઆરી પછી ન્યૂઝીલેન્ડમાં કોરોનાનો આ પહેલો કેસ છે. આરોગ્ય અધિકારીઓએ ઓકલેન્ડમાં મળી આવેલા આ ચેપનું સ્ત્રોત શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે.
ન્યુઝીલેન્ડમાં તેની કુલ વસ્તીના 32 ટકા લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. તો 18 ટકા વસ્તીને રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં માત્ર 26 લોકોના મોત થયા છે.