મોંઘવારી વિરુદ્ધ POKમાં પ્રદર્શન યથાવત, એક પોલીસ અધિકારીનું મોત, 100 ઘાયલ
પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી આંદોલન ચાલી રહ્યું છે
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં ઘઉંના લોટ અને વીજળીના ઊંચા ભાવ સામે જબરદસ્ત આંદોલન ચાલી રહ્યું છે. શનિવાર અને રવિવારે દેખાવકારો અને સુરક્ષા દળો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં એક પોલીસ અધિકારીનું મોત થયું હતું અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે.
ડોન અખબારના અહેવાલ મુજબ, શનિવારે વિવાદિત વિસ્તારમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને દુકાનો બંધ રાખવામાં આવી હતી. મીરપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) કામરાન અલીએ જણાવ્યું હતું કે, ઈસ્લામગઢ શહેરમાં છાતીમાં ગોળી વાગવાથી સબ ઈન્સ્પેક્ટર અદનાન કુરેશીનું મોત થયું હતું. કોટલી અને પુંછ જિલ્લામાં થઈને મુઝફ્ફરાબાદ જતી રેલીને રોકવા માટે અન્ય પોલીસકર્મીઓ સાથે કુરેશીને ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ રેલી જમ્મુ કાશ્મીર સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC)ના બેનર હેઠળ કાઢવામાં આવી હતી.
શુક્રવારે હડતાલ દરમિયાન PoKની રાજધાની મુઝફ્ફરાબાદના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. સરકારે મોટા પાયે વિરોધ પ્રદર્શનને રોકવા માટે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને તૈનાત કર્યા હતા. એસએસપી યાસીન બેગે જણાવ્યું હતું કે પોલીસે કેટલાક વિસ્તારોમાં ટીયર ગેસના શેલ છોડ્યા હતા અને હવામાં ગોળીબાર કર્યો હતો જ્યારે વિરોધીઓએ પથ્થરમારો કર્યો હતો અને બોટલો ફેંકી હતી.
લોકો હાઇડ્રોપાવર ઉત્પાદનના ખર્ચ અનુસાર વીજળીની જોગવાઈ, ઘઉંના લોટ પરની સબસિડી અને વિશેષ વર્ગના વિશેષાધિકારોને સમાપ્ત કરવાની માંગ કરી રહ્યા છે. પ્રશાસને વિરોધ પ્રદર્શનને રોકવા માટે રેન્જર્સ અને પોલીસકર્મીઓની મોટી ટુકડી તૈનાત કરી છે.
ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ પર પ્રતિબંધ
જિયો ન્યૂઝના અહેવાલ મુજબ, રવિવારે ભીબંર અને બાગ નગરો સહિત પીઓકેના વિવિધ ભાગોમાં મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવાઓ સસ્પેન્ડ કરવામાં આવી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે મીરપુરમાં તમામ મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આ અંગે ઈમરજન્સી બેઠક બોલાવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિએ આ મુદ્દાના ઉકેલ માટે દરખાસ્ત લાવવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાન શાહબાઝ શરીફે રવિવારે કહ્યું કે તેઓ પીઓકેની સ્થિતિને લઈને અત્યંત ચિંતિત છે. તેમણે કહ્યું કે કાયદાનો ભંગ અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવાને બિલકુલ સહન કરવું જોઇએ નહીં.
59 પોલીસકર્મી ઘાયલ
વિરોધ દરમિયાન પ્રદર્શનકારીઓએ પથ્થરો અને બોટલો ફેંકી હતી. જેના કારણે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. એસએસપીએ જણાવ્યું હતું કે રેહાન ગલીમાં નાયબ પોલીસ અધિક્ષક ઇલિયાસ જંજુઆ અને મહેસૂલ વિભાગના બે અધિકારીઓ સહિત 59 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા, જ્યારે સહંસા બરોઇયામાં 19 અન્ય પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.