પાકિસ્તાનના આ શહેરો છે ભારતના ટાર્ગેટ પરઃ ખુદ PAK ના સંરક્ષણ મંત્રીનો ચોંકવનારો દાવો – 'ગુપ્ત માહિતી છે, ભયાનક હુમલો...’
પહેલગામ હુમલા બાદ ભારતના કડક નિર્ણયોથી પાકિસ્તાન બેકફૂટ પર, પરમાણુ ક્ષમતાનો આપ્યો હવાલો, ભારત પર આતંકવાદને સમર્થન આપવાનો આરોપ.

Pahalgam terror attack news: જમ્મુ અને કશ્મીરના પહેલગામમાં તાજેતરમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે લીધેલા કડક નિર્ણયોથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે અને તેના નેતાઓના સૂર બદલાયા છે. સિંધુ જળ સંધિને સ્થગિત કરવા જેવા પગલાંએ પાકિસ્તાનને બેકફૂટ પર ધકેલી દીધું છે. આ તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે એક ચોંકાવનારો અને ગંભીર દાવો કર્યો છે.
સામ ટીવી સાથેની વાતચીત દરમિયાન પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદ આસિફે કહ્યું કે પાકિસ્તાન ન તો સંઘર્ષ ઈચ્છે છે અને ન તો તે પરમાણુ ઊર્જા (શસ્ત્રો)ના ઉપયોગ પર વિચાર કરી રહ્યું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન પાસે જે પરમાણુ ક્ષમતા છે તે પાકિસ્તાનના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ ગેરંટી છે અને તે પોતાની સાર્વભૌમત્વ જાળવી રાખવા માટે છે, યુદ્ધ કરવા માટે નહીં.
ખ્વાજા આસિફે કહ્યું કે તેમનો ભારત સાથે યુદ્ધ કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ જો ભારત પાકિસ્તાન પર હુમલો કરશે તો તેઓ પણ પાછળ હટશે નહીં અને પાકિસ્તાન જડબાતોડ જવાબ આપશે.
'ભારત પાકિસ્તાનના મોટા શહેરો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે': ખ્વાજા આસિફનો દાવો
પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ એક અત્યંત ગંભીર દાવો કરતા કહ્યું કે, "ગુપ્તચર અહેવાલો અનુસાર, એ વાતની પુષ્ટિ થઈ છે કે ભારત પાકિસ્તાનના ઘણા મુખ્ય શહેરો, જેમ કે ઇસ્લામાબાદ, કરાચી અને રાવલપિંડી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે."
ખ્વાજા આસિફે ભારત પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ભારત પાકિસ્તાનમાં અરાજકતા ફેલાવવા માટે બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA) અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) જેવા પાકિસ્તાનના પ્રતિબંધિત સંગઠનોને બોમ્બ અને હથિયારો પૂરા પાડી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે ભારત ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાનમાં રક્તપાતનું સમર્થન કરી રહ્યું છે અને BLA તથા TTP ભારતના પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનના ચારેય પ્રાંતોમાં અરાજકતા ફેલાવવાનું કામ કરી રહ્યા છે.
સંરક્ષણ પ્રધાને કેનેડા અને યુનાઇટેડ સ્ટેટ્સમાં બનેલી ઘટનાઓ તરફ ઇશારો કરતા ભારત પર આતંકવાદને પ્રાયોજિત કરવાનો વૈશ્વિક ટ્રેક રેકોર્ડ હોવાનો આરોપ પણ મૂક્યો. તેમણે વિવાદાસ્પદ રીતે એવો પણ આરોપ લગાવ્યો કે ગુજરાતના રમખાણોમાં તેમની કથિત સંડોવણીના કારણે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર એકવાર યુએસમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ભારત દ્વારા સિંધુ જળ સંધિ રદ કરવાના મુદ્દે ખ્વાજા આસિફે તેને ખૂબ જ ખતરનાક ગણાવ્યું અને કહ્યું કે પાકિસ્તાન આ મામલાને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં લઈ જશે.
આમ, પહેલગામ હુમલા બાદ વધેલા તણાવ વચ્ચે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીના આ નિવેદનો બંને દેશો વચ્ચેની સ્થિતિને વધુ વણસાવી શકે છે અને ચિંતામાં વધારો કરી શકે છે.





















