પાકિસ્તાન આર્મી ચીફ જનરલ બાજવાએ કાશ્મીર અંગે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ કહ્યું કે જ્યારે વિશ્વની એક તૃતીયાંશ વસ્તી કોઈક પ્રકારના સંઘર્ષમાં ફસાયેલી છે ત્યારે આપણે આપણા પ્રદેશને સંઘર્ષથી દૂર રાખીએ તે મહત્વનું છે.
Islamabad : પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઈસ્લામાબાદ સુરક્ષા સંવાદના મંચ પરથી મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન તમામ વિવાદોના સમાધાન માટે વાતચીત અને કૂટનીતિ વધારવાનું હિમાયતી છે. તેમાં કાશ્મીર વિવાદ પણ સામેલ છે. તેમણે કહ્યું કે જો ભારત પણ આગળ વધવા તૈયાર હોય તો અમે આ મુદ્દે આગળ વધવા તૈયાર છીએ.
તેમણે કહ્યું કે વિશ્વની એક તૃતીયાંશ વસ્તી કોઈને કોઈ પ્રકારના સંઘર્ષમાં સામેલ છે, તે મહત્વનું છે કે આપણે આપણા પ્રદેશને સંઘર્ષથી દૂર રાખીએ. આ ઘટનાક્રમમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સરહદી તણાવ પણ આપણા માટે ચિંતાનું કારણ છે. અમે ઈચ્છીએ છીએ કે વાતચીત અને કૂટનીતિ દ્વારા આનો ઉકેલ આવે.
વિવાદોના સમાધાન માટે વાતચીત અને કૂટનીતિ વધારવા માટે તૈયાર : બાજવા
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ વધુમાં કહ્યું કે આ એવો પ્રસંગ છે જ્યારે પ્રદેશના રાજકીય નેતૃત્વએ ભાવનાત્મક અને સંકુચિત મુદ્દાઓથી ઉપર ઊઠીને વ્યાપક હિત માટે નિર્ણયો લેવા જોઈએ. બે દિવસીય ઈસ્લામાબાદ સુરક્ષા સંવાદ 2022ને સંબોધતા સેના પ્રમુખે કહ્યું કે પાકિસ્તાન જૂથવાદની રાજનીતિમાં વિશ્વાસ કરતું નથી. હું માનું છું કે આજે આપણે બૌદ્ધિક ચર્ચા માટે એવા સ્થાનો વિકસાવવા અને પ્રમોટ કરવાની જરૂર છે જ્યાં વિશ્વભરના લોકો વિચારો શેર કરવા માટે એકઠા થાય. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન આર્થિક અને વ્યૂહાત્મક સંઘર્ષના ક્રોસરોડ્સ પર સ્થિત દેશ તરીકે ઘણા પડકારોનો સામનો કરી રહ્યું છે.
સુરક્ષા નીતિના કેન્દ્રમાં નાગરિકોની સુરક્ષા અને સમૃદ્ધિ : બાજવા
પાકિસ્તાનના આર્મી સ્ટાફે વધુમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની પ્રથમ રાષ્ટ્રીય સુરક્ષા નીતિ આપણા નાગરિકોની સુરક્ષા, ગૌરવ અને સમૃદ્ધિને આપણી સુરક્ષા નીતિના કેન્દ્રમાં રાખવાની છે. પાકિસ્તાનના સુરક્ષા દળોએ આતંકવાદને હરાવવા માટે અસંખ્ય બલિદાન આપ્યા છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આતંકવાદ અને હિંસક ઉગ્રવાદનો ખતરો હજુ પણ છે. આ મુદ્દે વચગાળાની અફઘાન સરકાર અને અન્ય પડોશીઓ સાથે કામ કરી રહ્યા છીએ.