Pakistan Atom Bomb: શું સાચે જ તેના પરમાણું બોમ્બ વેચવા જઈ રહ્યું છે પાકિસ્તાન?
આ સ્થિતિમાં પાકિસ્તાન આર્મી અને ISIના નજીકના ઝૈદ હામિદે પાક સરકારને આ આર્થિક સંકટમાંથી બહાર આવવા વિચિત્ર સલાહ આપી દીધી છે.
Pakistan Nuclear Weapons: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સરકારી તિજોરીમાં નાણાંની ભારે અછત ઉભી થઈ છે. મોંઘવારી એ હદે વધી ગઈ છે કે,અ પાકિસ્તાનની જનતાને બે ટંક ખાવાના ફાંફાં પડી રહ્યાં છે. આ કંગાળિયતમાંથી બહાર આવવા અને પોતાની સ્થિતિ સુધારવા માટે પાકિસ્તાન ચારેકોર હવાતિયા મારી રહ્યું છે, પરંતુ ના તો તેને IMF, ના તો વિશ્વ બેંક પાસેથી લોન મળી રહી છે અને ના તો સદાબહાર દોસ્ત ચીન વ્હારે આવી રહ્યું છે. તો મુસ્લિમ દેશોના મસીહા બનતા ફરતા પાકિસ્તાનનો હાથ હવે મુસ્લીમ દેશના અગ્રણી સાઉદી અરેબિયા પણ ઝીણાના દેશનો હાથ ઝાલવા તૈયાર નથી.
આ સ્થિતિમાં પાકિસ્તાન આર્મી અને ISIના નજીકના ઝૈદ હામિદે પાક સરકારને આ આર્થિક સંકટમાંથી બહાર આવવા વિચિત્ર સલાહ આપી દીધી છે. ઝૈદ હામિદે શાહબાઝ સરકારને તેના પરમાણુ બોમ્બ વેચવાની સલાહ આપી દીધી છે. હામિદે કહ્યું છે કે, જો આપણે સાઉદી અરેબિયા અથવા તુર્કીને 5 પરમાણુ હથિયારો વેચીએ તો આપણને અબજો ડોલર મળશે.
હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારો વેચીને ગરીબી દૂર કરશે? જો હા, તો તે આ રીતે કેટલા પૈસા એકઠા કરી શકશે? વાસ્તવમાં, પરમાણુ હથિયારોમાં ઉપયોગમાં લેવાતા યુરેનિયમ અને પ્લુટોનિયમ વિશ્વમાં બહુ ઓછા સ્થળોએ જ જોવા મળે છે અને આ તત્વોની કિંમત ઘણી વધારે છે. યુરેનિયમ એ વિશ્વના સૌથી મોંઘા તત્વોમાંનું એક છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, પરમાણુ બોમ્બ બનાવવા માટે યુરેનિયમને ખૂબ જ સંવર્ધિત કરવું પડે છે, એટલે કે તેને ખૂબ શુદ્ધ કરીને જ તેમાંથી પરમાણુ શસ્ત્રો બનાવી શકાય છે. હાલમાં પાકિસ્તાન ઇસ્લામિક વિશ્વમાં એકમાત્ર દેશ છે જે આ ક્ષમતા ધરાવે છે. એટલા માટે પાકિસ્તાન પોતાને પરમાણુ શક્તિ માને છે.
પાકિસ્તાનના રાજકીય વિશ્લેષક ઝૈન હમીદે પોતાની સરકારને સલાહ આપતા એક વીડિયોમાં કહ્યું છે કે, જો તમે સાઉદી અરેબિયાને 5 વોરહેડ (પરમાણુ હથિયાર) આપો છો, તો તેઓ તમને એક કલાકમાં 25 બિલિયન ડોલર આપશે. તેવી જ રીતે જો તુર્કી 5 વોરહેડ્સ આપે તો તે પાકિસ્તાનને 20 અબજ ડોલર પણ આપી શકે છે.
શું પાકિસ્તાન 40 વોરહેડ્સ વેચીને તેનું દેવું ચૂકવી શકશે?
બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટના રિપોર્ટ અનુસાર પાકિસ્તાન પાસે હવે 165 પરમાણુ હથિયારોનો ભંડાર છે. ઝૈદ હમીદના દાવા મુજબ જો પાકિસ્તાનના 5 વોરહેડ્સની કિંમત $25 બિલિયન છે, તો 20 વોરહેડ્સ વેચીને તેને 100 બિલિયન ડોલર મળશે. તેવી જ રીતે 40 વોરહેડ્સ વેચીને તેને 200 બિલિયન ડોલર મળશે. પાકિસ્તાનને વર્તમાન આર્થિક સંકટમાંથી બહાર આવવા માટે એટલી જ રકમની જરૂર છે, જેમાં તેને તેના વિદેશી દેવું ચૂકવવા માટે $100 બિલિયનથી વધુની જરૂર છે.
પરમાણુ હથિયારની કિંમત કેટલી છે?
જો કે, ઘણા નિષ્ણાતો ઝૈદ હામિદના દાવાને માવવા નથી કે પાકિસ્તાનને 5 વોરહેડ્સ માટે 25 અબજ ડોલર મળશે. હકીકતે દક્ષિણ કોરિયાની સરકાર દ્વારા પરમાણુ શસ્ત્રોની કિંમત વિશેના વિશ્લેષણમાં કહેવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમની કિંમત $1.1 બિલિયન અને $3.2 બિલિયનની વચ્ચે હશે. ગયા વર્ષે રોઇટર્સે એક રિપોર્ટમાં આ વાત જણાવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે, જો ઉત્તર કોરિયા પાસે 60 વોરહેડ છે, તો દરેક વોરહેડની કિંમત લગભગ $18 મિલિયનથી $53 મિલિયનની વચ્ચે હશે. જો કે, ઘણા નિષ્ણાતો કહે છે કે, પરમાણુ બોમ્બની કિંમત તેના કદ, ગુણવત્તા અને વિશ્વસનીયતા પર નિર્ભર રહેશે. અત્યાર સુધી પરમાણુ હથિયારનો ઉપયોગ માત્ર એક જ વાર થયો છે, જેને અમેરિકાએ જાપાન પર ફેંક્યો હતો. ત્યાર બાદ અમેરિકન પરમાણુ બોમ્બ વધુ ભરોસાપાત્ર બન્યો હતો.
શું પાકિસ્તાન પરમાણુ શસ્ત્રો વેચી શકશે?
ઘણા ભારતીય સૈન્ય અધિકારીઓએ કહ્યું છે કે, પાકિસ્તાન પરમાણુ હથિયારોના ભંડાર પર 'જૂઠ' ફેલાવે છે. એક સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે, અમે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમના ખોટા દાવાથી ચિંતિત નથી. આનો અર્થ એ થયો કે, વિશ્વને પાકિસ્તાનના પરમાણુ હથિયારોની ક્ષમતા પર પણ શંકા છે. એવા કેટલાક આંતરરાષ્ટ્રીય નિયમો છે જે સ્પષ્ટપણે જણાવે છે કે, પાકિસ્તાન જેવો દેશ બીજાને પરમાણુ હથિયારોની ટેક્નોલોજી ન આપી શકે. એકવાર એવું બન્યું કે જ્યારે પાકિસ્તાનના 'ન્યુક્લિયર પ્રોગ્રામ'ના પિતા ડૉ.અબ્દુલ કાદિર ખાને ઉત્તર કોરિયાને પરમાણુ ટેક્નોલોજી આપવાનો પ્રયાસ કર્યો ત્યારે દુનિયાએ પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. આ સ્થિતિમાં પાકિસ્તાન પોતાના પરમાણુ હથિયારો વેચે તેવી શક્યતા ખુબ જ ઓછી છે.