(Source: ECI/ABP News/ABP Majha)
પાક. PM ઈમરાન ખાન સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ રદ - સંસદ ભંગ, વિપક્ષે સંસદ પર કબ્જો કર્યો, હવે આગળ શું...
પાકિસ્તાનમાં મોટું રાજકારણ રમાયું અને રાજકીય ઘટનાક્રમ ચાલ્યો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રદ થઈ ચુક્યો છે અને સંસદ પણ ભંગ થઈ ચુકી છે.
Pakistan Assembly Dissolved: પાકિસ્તાનમાં મોટું રાજકારણ રમાયું અને રાજકીય ઘટનાક્રમ ચાલ્યો. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન સામે અવિશ્વાસ પ્રસ્તાવ રદ થઈ ચુક્યો છે અને સંસદ પણ ભંગ થઈ ચુકી છે. આ સાથે વિપક્ષના નેતાઓ સવારથી નેશનલ એસેંબલી (સંસદમાં) હાજર છે અને હજી સુધી એસેંબલી પર કબ્જો કરીને બેઠા છે. વિપક્ષે તો પોતાના નવા પ્રધાનમંત્રી પણ પસંદ કરી લીધા છે.
90 દિવસમાં ચૂંટણીઃ
આ બધાની વચ્ચે પાકિસ્તાનના સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી ફારુખ હબીબે કહ્યું છે કે, ચૂંટણી આગામી 90 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. આ 90 દિવસ સુધી ઈમરાન ખાન કાર્યકારી પ્રધાનમંત્રી રુપે દેશ સંભાળશે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની સલાહ મુજબ નેશનલ એસેંબલી ભંગ કરી દીધી છે. સત્તા બચાવવા માટે કવાયતમાં લાગેલા ઈમરાન ખાને આ ઘટનાની થોડી મિનિટો પહેલાં જ નવી ચૂંટણી કરવાની પણ સલાહ આપી છે.
વિપક્ષી દળે જાતે જ વોટિંગ કરાવ્યુંઃ
પાકિસ્તાનની નેશનલ એસેંબલીમાં ધરણા પર બેઠેલા વિપક્ષી દળે સંસદ પર કબ્જો કરી લીધો છે. વિપક્ષે અયાજ સાદિકને પોતાના સ્પીકર તરીકે પણ નિયુક્ત કર્યા છે અને જાતે જ વોટિંગ પણ કરાવી લીધું છે. વિપક્ષનું કહેવું છે કે, અવિશ્વાસ પ્રસ્તાવના પક્ષમાં 195 વોટ પડ્યા છે. પાકિસ્તાનમાં આ રાજનીતિક ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનની સુપ્રિમ કોર્ટ હરકતમાં આવી ગઈ છે. આ ઘટનાક્રમ અંગેની સુનાવણી માટે એક સ્પેશ્યલ બેન્ચ પણ બનાવામાં આવી છે. પ્રધાનમંત્રી ઈમરાન ખાનના વિશેષ સહાયક શાહબાઝ ગિલે કહ્યું કે, વિપક્ષને અનુરોધ છે કે બાળકોના પ્રધાનમંત્રી શાહબાજ શરીફને સંસદમાંથી બહાર કાઢે. તેઓ અડગ છે કે તેમને પ્રધાનમંત્રી બનવું છે. તેમને કહો કે, ખેલ ખતમ થઈ ગયો છે. હવે નિર્ણય જનતાએ કરવાનો છે.
હવે આગળ શુંઃ
પાકિસ્તાનના આ રાજકીય ઘટનાક્રમ બાદ હવે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. આ સુનાવણી થાય તો તેનો શું ચુકાદો આવે છે તે જોવાનું રહેશે. આ સાથે વિપક્ષ પણ પોતાની આગામી રણનીતિ શું ઘડે છે તેના પર પાકિસ્તાનનું ભવિષ્ય ટકેલું છે. હાલના કાર્યકારી પ્રધાનમંત્રી ઈમરાન ખાને જાહેર કરી દીધું છે કે, આગામી 90 દિવસમાં નવી ચૂંટણી યોજાશે. હવે આ 90 દિવસમાં વિપક્ષ શું દાવ રમે છે તે જોવાનું રહેશે.