મિત્ર રશિયાની ભારતને જોરદાર ઓફર: હા પાડતા જ... આ ફાઇટર જેટ્સ ભારતીય આકાશમાં ગર્જના કરશે? પાકિસ્તાનની ઊંઘ હરામ!
રશિયાએ ભારતને 5મી પેઢીના Su-57E જેટ્સ સાથે ટેકનોલોજી ટ્રાન્સફર, સોર્સ કોડ અને HAL નાસિકમાં ઉત્પાદન સુવિધાનો પ્રસ્તાવ મૂક્યો; ચીન-પાક. માટે મોટો પડકાર.

Su-57E fighter jets India: ભારતના સંરક્ષણ ક્ષેત્ર માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિશ્વસનીય મિત્ર રશિયાએ ફરી એકવાર ભારતને તેના અત્યાધુનિક પાંચમી પેઢીના સ્ટીલ્થ ફાઇટર જેટ Su-57E (Su-57 નું નિકાસ સંસ્કરણ) ઓફર કર્યું છે. આ વખતે રશિયાએ માત્ર જેટ્સ જ નહીં, પરંતુ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી (ToT) અને તો સોર્સ કોડ પણ આપવાનું વચન આપ્યું છે, જે ભારત માટે વ્યૂહાત્મક અને તકનીકી રીતે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. આ ઓફર ભારતીય વાયુસેનાના 114 મલ્ટી-રોલ ફાઇટર જેટ્સની જરૂરિયાતોને પૂર્ણ કરી શકે છે, જેમાં Su-35M જેટ્સના સીધા પુરવઠાનો પણ પ્રસ્તાવ છે. ખાસ કરીને, ચીન આવતા વર્ષ સુધીમાં પાકિસ્તાનને 5મી પેઢીનું ફાઇટર જેટ આપવા જઈ રહ્યું છે ત્યારે રશિયાનું Su-57E સ્ટીલ્થ ફાઇટર જેટ ભારત માટે એક નિર્ણાયક કાઉન્ટર એટેક હથિયાર બની રહેશે, જેનાથી પાકિસ્તાનની ઊંઘ ઉડી ગઈ છે.
HAL નાસિક ખાતે 'મેક ઇન ઇન્ડિયા' ઉત્પાદનનો પ્રસ્તાવ
એરો ઇન્ડિયા 2025 દરમિયાન, રશિયાની સરકારી સંરક્ષણ કંપની રોસ્ટેક અને સુખોઈ દ્વારા ભારતને એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મુજબ, તેઓ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ના નાસિક સુવિધામાં Su-57E નું ઉત્પાદન કરી શકે છે. આ એ જ ફેક્ટરી છે જ્યાં ભારત પહેલાથી જ 200+ Su-30MKI નું સફળતાપૂર્વક ઉત્પાદન કરી ચૂક્યું છે. નવા પ્રસ્તાવમાં, તે જ તર્જ પર Su-57E નું ઉત્પાદન કરવાની યોજના છે, જે ભારતને માત્ર સંરક્ષણ ક્ષેત્રે સ્વનિર્ભરતા જ નહીં, પરંતુ એરોસ્પેસ ટેકનોલોજીમાં વૈશ્વિક માન્યતા પણ પ્રદાન કરશે.
સોર્સ કોડની ઍક્સેસ અને સ્વદેશીકરણનું લક્ષ્ય
રશિયાએ માત્ર Su-57E વિમાનોના પુરવઠાનું વચન આપ્યું નથી, પરંતુ તેના સોર્સ કોડ ની ઍક્સેસ આપવા માટે પણ તૈયાર છે. આનો અર્થ એ છે કે ભારત રશિયાની મદદ વિના પણ આ વિમાનમાં સ્વદેશી શસ્ત્રો અને સિસ્ટમો ઉમેરી શકશે. આમાં એસ્ટ્રા BVR મિસાઇલ, વિરુપક્ષ AESA રડાર અને રુદ્રમ એન્ટી-રેડિયેશન મિસાઇલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રશિયાએ એવું પણ વચન આપ્યું છે કે તે ભારતને Su-57E ના 40-60% સુધીના સ્વદેશીકરણમાં મદદ કરશે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' અભિયાન માટે એક મોટું પ્રોત્સાહન સાબિત થશે.
તાત્કાલિક પુરવઠો અને ભવિષ્યની યોજના
અહેવાલો અનુસાર, રશિયા તાત્કાલિક 20 થી 30 Su-57E ફાઇટર જેટ સપ્લાય કરવા તૈયાર છે, જેથી ભારતીય વાયુસેનાની તાત્કાલિક જરૂરિયાત પૂરી થઈ શકે. જો 2026 સુધીમાં આ સોદો અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે, તો 2030-2032 સુધીમાં ભારતમાં બનેલા 60-70 ફાઇટર એરક્રાફ્ટ ભારતીય વાયુસેનામાં જોડાઈ શકે છે. આ ડીલથી ભારતીય વાયુસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો થશે અને પ્રાદેશિક સુરક્ષા સમીકરણોમાં ભારતનું સ્થાન વધુ મજબૂત બનશે.




















