ભારતીયોને લેવા આવેલી રશિયાની બસ ખાલી પરત ફરી, યુક્રેન તરફથી સુરક્ષાની ગેરંટી ના મળી હોવાનો રશિયાનો દાવો
યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાએ યુક્રેનથી ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે બસ મોકલવાની વાત કહી હતી.
Russia Ukraine War: યુક્રેન ઉપર રશિયાના હુમલાનો આજે નવમો દિવસ છે અને હજી પણ સતત હુમલાઓ ચાલુ છે. આ સ્થિતિ વચ્ચે રશિયાએ યુક્રેનથી ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકોને સુરક્ષિત પરત લાવવા માટે બસ મોકલવાની વાત કહી હતી. જો કે રશિયાનું કહેવું છે કે, અમે મોકલેલી બસોની સુરક્ષા માટે યુક્રેને કોઈ ગેરંટી ના આપતાં બસો ખાલી જ પરત ફરી છે.
પુતિનની પાર્ટીના ધારાસભ્ય અભયસિંહે એબીપી ન્યુઝને જણાવ્યું કે, "160 બસો ગુરુવારે યુક્રેનની બોર્ડર પર ભારતીય વિદ્યાર્થીઓને લેવા માટે ગઈ હતી. હું પોતે (અભયસિંહ) પણ હાજર હતો. પરંતુ યુક્રેન તરફથી સુરક્ષાની કોઈ ગેરંટી ના મળતાં બસો પરત આવી હતી."
આ પહેલાં રશિયાના રક્ષા નિયંત્રણ કેન્દ્રના પ્રમુખ કર્નલ-જનરલ મિખાઈલ મિજિન્ત્સેવે કહ્યું કે, ખારકીવ અને સુમીથી ભારતીયો અને અન્ય દેશોના નાગરીકોને યુક્રેનથી બહાર કાઢવા માટે બસોની વ્યવસ્થા કરી છે. બસો નેખોતેયેવકા અને સુદઝા ચેકપોઈન્ટ પર તૈયાર છે.
રશિયાએ યુક્રેનની સામે 24 ફેબ્રુઆરીથી શરુ કરેલા યુદ્ધ બાદ યુક્રેનના ઘણા શહેરો પર હુમલા કર્યા છે. યુદ્ધના કારણે લાખો લોકો યુક્રેન છોડી રહ્યા છે. 17 હજારથી વધુ ભારતીયો પણ યુક્રેનથી પરત આવ્યા છે. જો કે, ખારકીવ અને સુમી સહિત ઘણા શહેરોમાં સેંકડો ભારતીયો હજી પણ ફસાયેલા છે.