ગોટાબાયા રાજપક્ષેએ સિંગાપોર જવા માટે માલદીવ સરકાર પાસે માંગ્યું પ્રાઇવેટ જેટ
શ્રીલંકામાં લાંબી આર્થિક કટોકટી પછી જાહેર વિરોધ ફાટી નીકળ્યો હતો અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યા વિના દેશ છોડીને ભાગી ગયા હતા
કોલંબોઃ શ્રીલંકામાં લાંબી આર્થિક કટોકટી પછી જાહેર વિરોધ ફાટી નીકળ્યો હતો અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે બુધવારે તેમના પદ પરથી રાજીનામું આપ્યા વિના દેશ છોડીને ભાગી ગયા હતા. તે માલદીવ ભાગી ગયા હતા. હવે ગોટાબાયા માલદીવથી સિંગાપોર જવાની તૈયારી કરી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રાજપક્ષેએ જનતાના વિરોધના ડરથી માલદીવ સરકાર પાસેથી સિંગાપોર જવા માટે ખાનગી જેટની માંગણી કરી હતી. ગોટાબાયા રાજપક્ષે હજુ પણ માલદીવમાં છે. તેઓ આજે મોડી રાત્રે સિંગાપોર જવાના હતા, પરંતુ પ્રાઈવેટ જેટની માંગણી બાદ તેઓ ફ્લાઈટ છોડીને જતા રહ્યા છે.
Gotabaya Rajapaksa awaits for private jet to depart from Maldives for Singapore
— ANI Digital (@ani_digital) July 14, 2022
Read @ANI Story |https://t.co/5jrLMjvYru#GotabayaRajapaksa #Maldives #Singapore #SriLankaProtests pic.twitter.com/kHWREFOk6k
એરપોર્ટ પર ભારે સુરક્ષા
માલદીવના વેલાના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ભારે સુરક્ષા છે, કારણ કે ગોટાબાયા રાજપક્ષે કોઈપણ સમયે માલદીવથી સિંગાપોર જવા રવાના થઈ શકે છે. જોકે, માલદીવમાં ગોટાબાયા વિરુદ્ધ પ્રદર્શન પણ થયા હતા. બીજી તરફ એરપોર્ટના વીઆઈપી ટર્મિનલ પાસે રાહ જોઈ રહેલા પત્રકારોને સુરક્ષા અધિકારીઓએ હટાવી દીધા હતા.
ગોટાબાયા રાજપક્ષે બુધવારે રાજીનામું આપતા પહેલા માલદીવ ભાગી ગયા હતા. નવી સરકાર દ્વારા ધરપકડની શક્યતા ટાળવા માટે તેમણે દેશ છોડી દીધો. બુધવારે સવારે રાજપક્ષે લશ્કરી વિમાનમાં માલદીવ ભાગી ગયા પછી તરત જ શ્રીલંકામાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી હતી. આ પછી, દેશમાં હોબાળો વચ્ચે ગુરુવારે સવારે 5 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.
પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદે વાતચીત કરી હતી
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, માલદીવની સંસદના સ્પીકર અને પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ દ્વારા રાજપક્ષેના માલદીવ ભાગી જવા માટે વાતચીત થઈ હતી. માલદીવની સરકારની દલીલ છે કે રાજપક્ષે હજુ પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિ છે અને તેમણે રાજીનામું આપ્યું નથી. જોકે, તેમણે રાજીનામા પર સહી કરી દીધી છે. પરંતુ તેમણે પોતાની સત્તા કોઈ અનુગામીને આપી નથી.
રાજપક્ષેના માલદીવની રાજધાની માલે પહોંચવાના સમાચાર મળતાની સાથે જ શ્રીલંકાના લોકોએ વિરોધ શરૂ કરી દીધો હતો. શ્રીલંકાના રાષ્ટ્રધ્વજ અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર ધરાવતા પ્લેકાર્ડ સાથે માલેમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. જેમાં ગોટાબાયા રાજપક્ષેને શ્રીલંકા પરત મોકલવાની માંગ કરવામાં આવી છે