Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો
મહેસાણા જિલ્લામાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો થયો છે. સારા ભાવ મળવાના કારણે પાછલા 3 વર્ષમાં તમાકુના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે મહેસાણા જિલ્લામાં પાંચથી સાત હજાર હેક્ટરમાં તમાકુનું વાવેતર થતું હતું. જો કે, ચાલુ વર્ષે તમાકુનું વાવેતર 25 હજાર હેક્ટર સુધી પહોંચે તેવી સંભાવના છે.. પાછલા 3 વર્ષથી તમાકુના ભાવ જળવાઈ રહ્યા છે. ગત વર્ષે પ્રતિ મણ તમાકુના અઢી હજારથી 3 હજાર સુધી ભાવ મળ્યા હતા. આ વર્ષે પણ ભાવ અઢી હજારથી વધુ છે.. મહેસાણા જિલ્લામાં રવી પાકમાં એરંડાનું વાવેતર મોટા પ્રમાણમાં થતું. જો કે, હવે એરંડાની જગ્યા તમાકુએ લઈ લીધી છે. એરંડા, ઘઉં અને કપાસ સહિતના પાકના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો તમાકુની ખેતી તરફ વળ્યા છે. તમાકુ શરીર અને જમીન બંને માટે હાનિકારક છે. પરંતુ વધું નાણાં કમાવવાની લાલચમાં ખેડૂતો તમાકુની ખેતી કરી રહ્યા છે. તમાકુથી કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે. તેમ છતાં તમાકુુનું વાવેતર વધી રહ્યું છે. તેની માટે જવાબદાર છે અન્ય જણસીના પૂરતા ભાવ ન મળવા. હાલ તો ખેડૂતોને તમાકુ વાવવા માટે રોપા પણ મળતા નથી. જે રોપાનો ભાવ 25 પૈસા હતો. તે વધીને એક રૂપિયો થઈ ગયો છે.