Ukraine: યુક્રેનને ટૉમહૉક મિસાઈલ આપવાનું વિચારી રહ્યું છે અમેરિકા, યુદ્ધ સમાપ્ત કરવાની ટ્રમ્પની ફરી અપીલ
યુક્રેન લાંબા સમયથી રશિયાની અંદર ઊંડે સુધી પ્રહાર કરવા માટે લાંબા અંતરની મિસાઇલોની માંગ કરી રહ્યું છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઓવલ ઓફિસમાં પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે જો યુક્રેનને ટોમહોક મિસાઇલો આપવામાં આવે છે તો તેનો ઉપયોગ કેવી રીતે કરવાની યોજના બનાવી રહ્યા છે
યુક્રેનને આ મિસાઇલો પહોંચાડવા પર વિચારણા ચાલી રહી છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત લાવવાની ફરી અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ તણાવ વધતો જોવા માંગતા નથી. જ્યારે પત્રકારોએ ટ્રમ્પને પૂછ્યું કે શું તેમણે યુક્રેનને ટોમહોક મિસાઇલો આપવાનો નિર્ણય લીધો છે કે નાટો યુક્રેનને આપવા માંગે છે ત્યારે તેમણે કહ્યું હતું કે, "મને લાગે છે કે હું જાણવા માંગુ છું કે તેઓ તેમની સાથે શું કરવાના છે."
યુક્રેનની માંગ શું છે?
યુક્રેન લાંબા સમયથી રશિયાની અંદર ઊંડે સુધી પ્રહાર કરવા માટે લાંબા અંતરની મિસાઇલોની માંગ કરી રહ્યું છે. રોઇટર્સના અહેવાલ મુજબ, રશિયાની માલિકીની પરમાણુ ઊર્જા કંપનીએ અહેવાલ આપ્યો છે કે યુક્રેનના એક ડ્રોને યુક્રેનની સરહદે આવેલા રશિયાના વોરોનિશ ક્ષેત્રમાં પરમાણુ પ્લાન્ટ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પ્લાન્ટને કોઈ નુકસાન થયું નથી.
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપી છે કે યુક્રેનને લાંબા અંતરની ટોમહોક મિસાઇલો સપ્લાય કરવાથી વોશિંગ્ટન અને મોસ્કો વચ્ચેના સંબંધોને નુકસાન થશે.
એક મિસાઇલની કિંમત 114.4 મિલિયન ડોલર છે
સપ્ટેમ્બરના અંતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વેન્સે જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ કિવને ટોમહોક મિસાઇલો સપ્લાય કરવાનું વિચારી રહ્યું છે. દરેક મિસાઇલની કિંમત 114.4 મિલિયન ડોલર છે. તેની 2,500 કિલોમીટરની રેન્જ છે, જેનાથી તેઓ મોસ્કો અને તેનાથી આગળ પ્રહાર કરી શકે છે.
પુતિને શનિવારે એક મુલાકાતમાં કહ્યું હતું કે ટ્રમ્પના આવા પગલાથી આપણા સંબંધો બગડશે. અગાઉ ગુરુવારે, વાલ્ડાઈ ચર્ચા ક્લબમાં રશિયન રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે યુક્રેનિયન સૈન્ય અમેરિકન લશ્કરી કર્મચારીઓની સીધી સંડોવણી વિના આ મિસાઇલો ચલાવી શકશે નહીં.
રશિયાની શક્તિનો ઉલ્લેખ કરતા પુતિને કહ્યું હતું કે અમેરિકન ટોમહોક ક્રુઝ મિસાઇલોનો પુરવઠો યુદ્ધના મેદાનમાં શક્તિનું સંતુલન બદલશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે રશિયાની એર ડિફેન્સ સિસ્ટમ પહેલાથી જ સમાન પશ્ચિમી શસ્ત્રોને અનુરૂપ થઈ ગઈ છે.





















