મોરબી પુલ દુર્ઘટના પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને દુઃખ વ્યક્ત કર્યું, કહ્યુ- 'અમારુ દિલ ભારતની સાથે'
ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેના કારણે અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે
Morbi Bridge Collapsed: ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો જેના કારણે અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે તે મુશ્કેલ સમયમાં ભારતની સાથે છે. નોંધનીય છે કે અકસ્માતમાં ઘાયલ થયેલા 100થી વધુ લોકો સારવાર હેઠળ છે.
Jill and I send our deepest condolences to the families who lost loved ones during the bridge collapse in India, and join the people of Gujarat in mourning the loss of too many lives cut short. In this difficult hour, we will continue to stand with and support the Indian people.
— President Biden (@POTUS) October 31, 2022
એક સદી કરતાં પણ વધુ જૂનો પુલ પાંચ દિવસ પહેલા નવીનીકરણ બાદ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. જો કે પુલ પર લોકોની વધુ સંખ્યાને કારણે પુલ ધરાશાયી થયો હતો અને અત્યાર સુધીમાં આ અકસ્માતમાં 130 થી વધુ લોકોના મોત થયા છે. આજે પીએમ મોદી ઘાયલ અને મૃતકોના પરિવારજનોને મળવા માટે મોરબી પણ જશે.
'અમે મુશ્કેલ સમયમાં ભારતીયોની સાથે છીએ'
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડને આ દુર્ઘટના પર જણાવ્યું હતું કે, આજે અમારું દિલ ભારત સાથે છે. સમગ્ર અમેરિકા ગુજરાતના લોકોના દુઃખમાં તેમની સાથે છે અને પુલ ધરાશાયી થવાને કારણે પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે. અમેરિકા અને ભારત બંને એક સાથે છે. અમે આ મુશ્કેલ સમયમાં ભારતીયોની સાથે ઊભા રહીશું અને ટેકો આપતા રહીશું.
મૃતકોના પરિજનોને વળતર મળશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક મૃતકના નજીકના સંબંધીઓ માટે વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF) માંથી પ્રત્યેકને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.જ્યારે ગુજરાત સરકારે મૃતકોના નજીકના પરિવારને 4-4 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.