IND vs SA: ટીમ ઈન્ડિયામાં સ્થાન ના મળતાં પૃથ્વી શૉ થયો ભાવુક, કહ્યું - "એમની વાતો પર ભરોસો..."
ટી-20 સિરીઝ બાદ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમવાની છે. BCCIએ રવિવારે આ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી.
IND vs SA ODI Squad: ટીમ ઈન્ડિયા હાલમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની T20I સિરીઝ રમી રહી છે. ટીમ ઈન્ડિયાએ આ સિરીઝની પ્રથમ બે મેચ જીતીને અજેય લીડ મેળવી લીધી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ આફ્રિકા સામે ઘરઆંગણે પ્રથમ વખત સિરીઝ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. ટી-20 સિરીઝ બાદ ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની વનડે સિરીઝ પણ રમવાની છે.
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ રવિવારે આ વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે આ ટીમમાં ઘણા નવા ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ટીમના જૂના ખેલાડી 22 વર્ષીય પૃથ્વી શૉને ટીમનો ભાગ બનાવવામાં આવ્યો ન હતો. શૉએ ટીમમાં પસંદ ન થવા પર પોતાનો વિચાર વ્યક્ત કર્યો હતો.
'તેમની વાતો પર ભરોસો ના કરતા'
સાઉથ આફ્રિકા સામેની ODI સિરીઝમાં પસંદ ન થયા બાદ પૃથ્વી શૉએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેર કરી હતી. આ સ્ટોરી શેર કરતાં તેણે લખ્યું, "તેમના શબ્દો પર નહીં, પરંતુ તેમની કામગીરી પર વિશ્વાસ કરો કારણ કે કામગીરી સાબિત કરશે કે શા માટે શબ્દોનો કોઈ અર્થ નથી." આ સમયે એ સ્પષ્ટ નથી થયું કે શૉએ આ સ્ટોરીને ટીમમાં પસંદ ન થવાના કારણે મૂકી છે કે પછી તેની પાછળ કોઈ અન્ય કારણ છે, પરંતુ ટીમમાં પૃથ્વી શૉની ગેરહાજરીને જોતાં લોકો આ સ્ટોરીને તેની સાથે જોડી રહ્યા છે.
લાંબા સમયથી ટીમમાં નથી પૃથ્વી શૉઃ
નોંધનીય છે કે, પૃથ્વી શૉ લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. તેણે તેની છેલ્લી ટેસ્ટ મેચ વર્ષ 2020માં અને છેલ્લી ODI મેચ વર્ષ 2021માં રમી હતી. તે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. શોએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 5 ટેસ્ટ મેચ, 6 વનડે અને 1 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
વનડે સિરીઝ માટે ભારતીય ટીમઃ
શિખર ધવન (કેપ્ટન), શ્રેયસ ઐયર (વાઈસ-કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, શુભમન ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઈશાન કિશન, સંજુ સેમસન, શાહબાઝ અહેમદ, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચાહર.