T20 ક્રિકેટમાં નવો ઇતિહાસ: 9 છગ્ગા, 114 રન! ડેબ્યૂ મેચમાં જ આ ભારતીય ખેલાડીએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
Amit Passi T20 debut record: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદ ખાતે રમાયેલી એલિટ ગ્રુપ-C ની મેચમાં બરોડા અને સર્વિસીસની ટીમો આમને-સામને હતી.

Amit Passi T20 debut record: ભારતીય ડોમેસ્ટિક ક્રિકેટનું મહાકુંભ ગણાતી 'સૈયદ મુશ્તાક અલી ટ્રોફી-2025'માં એક યુવા ખેલાડીએ પોતાની પહેલી જ મેચમાં ધમાકો કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. બરોડા તરફથી રમતા અમિત પાસીએ પોતાની ડેબ્યૂ T20 મેચમાં જ તોફાની સદી ફટકારીને એક નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અનુભવી સ્ટાર્સની હાજરી વચ્ચે આ યુવા વિકેટકીપર-બેટ્સમેને માત્ર 55 બોલમાં 114 રન ફટકારીને પાકિસ્તાની ખેલાડીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
હૈદરાબાદમાં રમાયેલા મુકાબલામાં રનના ખડકલા
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં હૈદરાબાદ ખાતે રમાયેલી એલિટ ગ્રુપ-C ની મેચમાં બરોડા અને સર્વિસીસની ટીમો આમને-સામને હતી. આ રોમાંચક મુકાબલામાં બરોડાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં બરોડાની ટીમે થોડી મુશ્કેલી અનુભવી હતી, કારણ કે ઓપનર શાશ્વત રાવત (14 રન) 38 રનના સ્કોર પર અને નિનાદ રાઠવા (12 રન) 59 રનના ટીમ સ્કોર પર આઉટ થઈ ગયા હતા. જોકે, ત્યારબાદ મેદાન પર આવેલા અમિત પાસીએ મેચનું પાસું પલટી નાખ્યું હતું.
ચોગ્ગા-છગ્ગાની રમઝટ: 44 બોલમાં સદી અને 200+ નો સ્ટ્રાઈક રેટ
પોતાની કારકિર્દીની સૌપ્રથમ T20 મેચ રમી રહેલા અમિત પાસીએ કોઈ પણ દબાણ વગર આક્રમક બેટિંગ શરૂ કરી હતી. તેણે માત્ર 44 બોલમાં જ પોતાની સદી પૂરી કરીને મેદાનના ચારે તરફ ફટકાબાજી કરી હતી. 26 વર્ષીય અમિતે આઉટ થતા પહેલા 55 બોલમાં 114 રન બનાવ્યા હતા. તેની આ તોફાની ઇનિંગમાં 207.27 ના સ્ટ્રાઇક રેટ સાથે 10 ચોગ્ગા અને 9 ગગનચુંબી છગ્ગા સામેલ હતા. વિરોધી ટીમના બોલરો તેની આતશી બેટિંગ સામે લાચાર જોવા મળ્યા હતા.
પાકિસ્તાની ખેલાડી બિલાલ આસિફના વર્લ્ડ રેકોર્ડની બરાબરી
અમિત પાસીની આ ઇનિંગ માત્ર એક સદી નથી, પરંતુ એક ઐતિહાસિક સિદ્ધિ છે. T20 ક્રિકેટના ઇતિહાસમાં ડેબ્યૂ મેચમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ હવે અમિત પાસીના નામે નોંધાયો છે. તેણે પાકિસ્તાનના ક્રિકેટર બિલાલ આસિફના રેકોર્ડની બરાબરી કરી છે, જેમણે પણ પોતાના T20 ડેબ્યૂમાં 114 રન બનાવ્યા હતા. અમિત પાસીનો જન્મ 27 ઓગસ્ટ, 1999 ના રોજ થયો હતો અને તે એક પ્રતિભાશાળી વિકેટકીપર-બેટ્સમેન છે.
બરોડાની શાનદાર જીત: સર્વિસીસની લડત એળે ગઈ
અમિત પાસીના 114 રન, કેપ્ટન વિષ્ણુ સોલંકીના 25 રન અને ભાનુ પાનિયાના અણનમ 28 રનની મદદથી બરોડાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 220 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. જવાબમાં સર્વિસીસની ટીમે પણ મજબૂત લડત આપી હતી. તેમના બંને ઓપનરોએ અડધી સદી ફટકારી હતી, પરંતુ બરોડાની ચુસ્ત બોલિંગ સામે તેઓ લક્ષ્ય સુધી પહોંચી શક્યા નહીં. અંતે સર્વિસીસની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 207 રન જ બનાવી શકી અને બરોડાએ 13 રનથી આ મેચ જીતી લીધી હતી.




















