IND vs PAK: ભારતે 267 રનનો ટાર્ગેટ આપ્યો,પાકિસ્તાનના બોલરો સામે ટોપ ઓર્ડરનો ફિયાસ્કો
IND vs PAK, Innings Highlights: એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 266 રન બનાવ્યા છે. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને એક સમયે સ્કોર 66 સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી.
IND vs PAK, Innings Highlights: એશિયા કપ 2023ની ત્રીજી મેચમાં પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા ભારતે 266 રન બનાવ્યા છે. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી અને એક સમયે સ્કોર 66 સુધી 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ઈશાન કિશન અને હાર્દિક પંડ્યાએ પાંચમી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને ઈનિંગ સંભાળી હતી. પાકિસ્તાન તરફથી આ મેચમાં શાહીન આફ્રિદીએ 4 જ્યારે નસીમ શાહ અને હરિસ રઉફે 3-3 વિકેટ ઝડપી હતી.
A fighting partnership 💪#AsiaCup2023 | #INDvPAK - https://t.co/CGycXUTckI pic.twitter.com/wtDSRuEEAa
— ICC (@ICC) September 2, 2023
શાહીન આફ્રિદીએ ભારતને 2 મોટા આંચકા આપ્યા, 66ના સ્કોર સુધી 4 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ 4 ઓવર રોહિત અને ગિલની જોડીએ સાવધાનીપૂર્વક રમી અને સ્કોર 15 રન સુધી પહોંચાડ્યો. આ પછી વરસાદને કારણે લગભગ 20 મિનિટ સુધી રમત રોકવી પડી હતી. મેચ ફરી શરૂ થતાની સાથે જ ભારતીય ટીમને કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીના રૂપમાં બે મોટા આંચકા લાગ્યા હતા.
પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ તેના એક શાનદાર ઇનસ્વિંગ બોલ પર રોહિત શર્માને બોલ્ડ કરીને ભારતને પહેલો ઝટકો આપ્યો હતો. આ પછી આફ્રિદીએ વિરાટ કોહલીને બોલ્ડ કર્યો અને 27ના સ્કોર પર 2 વિકેટ પડી. આ પછી બેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યરે ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે 14 રનના અંગત સ્કોર પર હરિસ રઉફનો શિકાર બન્યો હતો. ટીમ ઈન્ડિયાને 66ના સ્કોર પર શુભમન ગિલના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો તે પછી પાકિસ્તાની બોલરોનું દબાણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
ઇશાન કિશન અને હાર્દિક પંડ્યાએ 66ના સ્કોર પર 4 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમની ઇનિંગ્સને સંભાળી હતી. જ્યારે બંનેએ સાથે મળીને રનની ગતિ ઝડપી બનાવી રાખી હતી, ત્યારે સ્કોર ટૂંક સમયમાં 100ને પાર કરી ગયો હતો. ઈશાને વનડેમાં સતત ચોથી અડધી સદી પૂરી કરી. પાકિસ્તાની બોલરો પર આક્રમણ કરવામાં હાર્દિક પંડ્યાએ પણ ઈશાન કિશનને ખૂબ જ સારો સાથ આપ્યો હતો. બંને વચ્ચે પાંચમી વિકેટ માટે 138 રનની ભાગીદારી જોવા મળી હતી. ઇશાન કિશન આ મેચમાં 82 રનની ઇનિંગ રમીને હરિસ રઉફનો શિકાર બન્યો હતો.
ઈશાન કિશનના આઉટ થયા બાદ હાર્દિક પંડ્યાને રવિન્દ્ર જાડેજાનો સપોર્ટ મળ્યો હતો. બંને વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 35 રનની ભાગીદારી જોવા મળી હતી. દરેકને આશા હતી કે હાર્દિક આ મેચમાં સદી પૂરી કરવામાં સફળ રહેશે, પરંતુ 87ના અંગત સ્કોર પર શાહીન આફ્રિદીએ હાર્દિકને પોતાનો શિકાર બનાવીને પેવેલિયન મોકલી દીધો. આ પછી રવિન્દ્ર જાડેજા પણ 14 રન બનાવીને આઉટ થયો હતો.
શાર્દુલ ઠાકુર બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને 3 રન બનાવીને આઉટ થયો હતો. જસપ્રીત બુમરાહ અને કુલદીપ યાદવ વચ્ચે 9મી વિકેટ માટે 19 રનની ભાગીદારી જોવા મળી હતી. બુમરાહે આ મેચમાં 14 બોલમાં 16 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં ભારતીય ટીમનો દાવ 48.5 ઓવરમાં 266 રન બનાવીને સમાપ્ત થયો હતો. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદીએ 4 જ્યારે હરિસ રઉફ અને નસીમ શાહે 3-3 વિકેટ ઝડપી હતી.
ભારતે પ્લેઈંગ ઈલેવન
-રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
ફખર જમાન, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, શાહીન આફ્રિદી, નસીમ શાહ, હરિસ રઉફ.