ઇંગ્લેન્ડમાં હોબાળા બાદ BCCIનો મોટો નિર્ણયઃ એશિયા કપ પહેલા નિયમમાં કર્યો મોટો ફેરફાર
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી દરમિયાન ખેલાડીઓને ઇજા થતાં રિપ્લેસમેન્ટ નિયમો ચર્ચાનો વિષય બન્યા હતા. આ ઘટનાઓને ધ્યાનમાં રાખીને, BCCI એ એક મોટું પગલું ભર્યું છે.

BCCI replacement rule 2025: તાજેતરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં રિપ્લેસમેન્ટ નિયમ પર થયેલા વિવાદ બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. BCCI એ હવે પોતાની સ્થાનિક ક્રિકેટ સિઝન માટે નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાની જાહેરાત કરી છે. આ નિયમો ખાસ કરીને લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ નિયમથી ભારતીય ક્રિકેટમાં એક મોટો બદલાવ આવશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આગામી 2025-26 ની સ્થાનિક ક્રિકેટ સિઝનથી રેડ-બોલ મેચોમાં નવા રિપ્લેસમેન્ટ નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ ICC ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ જેવો જ છે. હવે ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેલાડી માટે ફક્ત લાઈક-ફોર-લાઈક રિપ્લેસમેન્ટની જ મંજૂરી આપવામાં આવશે. આ નિર્ણય ખાસ કરીને ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણીમાં રિષભ પંત અને ક્રિસ વોક્સના કેસ પછી લેવામાં આવ્યો છે. આ નિયમ હાલમાં માત્ર રેડ-બોલ અને અંડર-19 CK નાયડુ ટ્રોફીમાં લાગુ થશે, જ્યારે વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં નહીં.
BCCI નો નવો રિપ્લેસમેન્ટ નિયમ
BCCI દ્વારા 2025-26 ની સ્થાનિક સિઝનથી રેડ-બોલ મેચોમાં એક નવો અને સુધારેલો રિપ્લેસમેન્ટ નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ અનુસાર, કોઈ ખેલાડી ગંભીર રીતે ઘાયલ થાય તો તેના સ્થાન પર માત્ર 'લાઈક-ફોર-લાઈક' રિપ્લેસમેન્ટ જ મંજૂર કરવામાં આવશે. આ નિયમ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના કન્કશન સબસ્ટિટ્યુટ નિયમ સાથે સુસંગત છે, જેનું પાલન આંતરરાષ્ટ્રીય મેચોમાં થાય છે.
આ નિયમનું અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે અમદાવાદમાં અમ્પાયરોનો એક સેમિનાર પણ ચાલી રહ્યો છે, જ્યાં અમ્પાયરોને આ નવા નિયમ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી રહી છે. BCCI એ સ્પષ્ટ કર્યું છે કે હાલમાં આ નિયમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હજારે ટ્રોફી જેવી વ્હાઇટ-બોલ ટુર્નામેન્ટમાં લાગુ કરવામાં આવશે નહીં. જોકે, અંડર-19 CK નાયડુ ટ્રોફી, જે રેડ-બોલ ફોર્મેટમાં રમાય છે, તેમાં પણ આ નિયમ લાગુ થશે.
નિયમોની વિગતવાર સમજ
- લાઇક-ફોર-લાઇક રિપ્લેસમેન્ટ: હવેથી, ફક્ત તે જ ખેલાડીને બદલી શકાય છે જે ઇજાગ્રસ્ત ખેલાડી જેવો જ હોય (દા.ત., બેટ્સમેનની જગ્યાએ બેટ્સમેન, બોલરની જગ્યાએ બોલર). ટોસ પહેલાં જે ખેલાડીઓની યાદી આપવામાં આવે છે, રિપ્લેસમેન્ટ તરીકે આવનાર ખેલાડી તે યાદીમાંથી જ હોવો જોઈએ.
- મેચ રેફરીનો નિર્ણય: ડોક્ટરો અને અમ્પાયરોની સલાહ લીધા પછી જ મેચ રેફરી અંતિમ નિર્ણય લેશે કે રિપ્લેસમેન્ટની મંજૂરી આપવી કે નહીં.
- અસામાન્ય પરિસ્થિતિ: જો કોઈ ટીમમાં રિઝર્વ વિકેટકીપર ન હોય, તો વિકેટકીપરની જગ્યાએ ટોસ સમયે આપેલી યાદીની બહારનો ખેલાડી પણ આવી શકે છે.
- રેકોર્ડ: રિપ્લેસમેન્ટ તરીકે આવનાર ખેલાડીનું પ્રદર્શન તેના અને ઇજાગ્રસ્ત ખેલાડીના કારકિર્દી રેકોર્ડમાં ઉમેરવામાં આવશે.




















