ક્રિકેટ જગતમાં શોક: 60 સદી, 100 અડધી સદી અને 349 વિકેટ લેનાર દિગ્ગજ ક્રિકેટરનું નિધન
ક્રિકેટ ઇતિહાસના એક યુગનો અંત આવ્યો છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટના મહાન ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ કેપ્ટન બોબ સિમ્પસનનું 89 વર્ષની ઉંમરે અવસાન થયું છે.

Bob Simpson death news: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ક્રિકેટના મહાન ખેલાડી અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન બોબ સિમ્પસનનું 89 વર્ષની વયે નિધન થયું છે. બેટ્સમેન અને બોલર તરીકે અદ્ભુત પ્રદર્શન કરનાર સિમ્પસન 1957 થી 1978 દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે રમ્યા હતા. તેમણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 60 સદી અને 349 વિકેટ લઈને અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રમાનારી T20 મેચમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે.
તેમણે ઓસ્ટ્રેલિયા માટે 62 ટેસ્ટ અને 2 વન-ડે મેચ રમી હતી. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 4,869 રન બનાવ્યા, જેમાં 10 સદી અને 27 અડધી સદીનો સમાવેશ થાય છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 311 રન હતો. આ ઉપરાંત, તેમણે 71 વિકેટ પણ લીધી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમના નામે 60 સદી, 100 અડધી સદી અને 349 વિકેટ નોંધાયેલી છે. તેઓ 1986 થી 1996 સુધી ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ પણ રહ્યા હતા.
બેટ્સમેન અને બોલર તરીકે સિદ્ધિઓ
બોબ સિમ્પસને 1957 થી 1978 સુધીની તેમની ક્રિકેટ કારકિર્દીમાં અનેક રેકોર્ડ બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં તેમણે 62 મેચ રમી, જેમાં 4,869 રન બનાવ્યા. તેમનો સર્વોચ્ચ સ્કોર 311 રન હતો, જે તેમની બેટિંગની ક્ષમતા દર્શાવે છે. બેટિંગની સાથે તેમણે બોલિંગમાં પણ પ્રભુત્વ જમાવ્યું અને ટેસ્ટમાં 71 વિકેટ લીધી.
જોકે, તેમની સૌથી મોટી સિદ્ધિ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં રહી. 257 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેમણે 21,029 રન બનાવ્યા, જેમાં 60 સદી અને 100 અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમણે બોલિંગમાં પણ પોતાની છાપ છોડી અને 349 વિકેટ લીધી.
કેપ્ટન અને કોચ તરીકેનું યોગદાન
બોબ સિમ્પસનનું યોગદાન માત્ર ખેલાડી તરીકે જ સીમિત ન હતું. તેમણે 39 ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમનું નેતૃત્વ કર્યું અને 1986 થી 1996 સુધી 10 વર્ષ માટે ટીમના મુખ્ય કોચ રહ્યા. તેમના કોચિંગ હેઠળ ઓસ્ટ્રેલિયાએ 1987નો વર્લ્ડ કપ જીત્યો, 1989માં ઇંગ્લેન્ડમાં એશિઝ શ્રેણી જીતી, અને 1995માં વેસ્ટ ઇન્ડિઝ સામે વિદેશી શ્રેણી જીતીને પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું.
સ્ટીવ વોનો શ્રદ્ધાંજલિ સંદેશ
ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ વોએ સિમ્પસનને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું કે, "બોબ સિમ્પસન કરતાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટને વધુ કોઈએ આપ્યું નથી." તેમણે સિમ્પસનની કોચ, ખેલાડી, કોમેન્ટેટર, લેખક અને માર્ગદર્શક તરીકેની બહુપક્ષીય ભૂમિકાની પ્રશંસા કરી. આજે ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચમાં ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી બાંધીને આ દિગ્ગજને યાદ કરશે.




















