(Source: ECI/ABP News/ABP Majha)
Team India: પુજારાને ટીમમાંથી કાઢી મુકતા જ પિતાનું દુઃખ છલકાયુ, બોલ્યાં - વાંધો નઇ હવે.......
પુજારાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બહાર થયા બાદ કેટલીય બાબતો સામે આવી હતી. એકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે પુજારાને તેના નિર્ણય વિશે પહેલાથી જ જણાવી દીધું હતું.
Cheteshwar Pujara Father: ટીમ ઇન્ડિયાની વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે જાહેરાત થઇ ગઇ છે, આ ટીમમાં કેટલાય મોટા ફેરફારો જોવા મળ્યા છે. ટેસ્ટ ટીમના સ્ટાર અને આધારભૂત બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો છે. આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમા કંગાળ પ્રદર્શન બાદ પુજારા પર એક્શન લેવામાં આવી છે, અને ટેસ્ટ સીરીઝમાથી ડ્રૉપ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર થયા બાદ તેની સામે એકમાત્ર પડકાર ટીમ ઈન્ડિયામાં ફરીથી એન્ટ્રી કરવાનો હતો, પરંતુ હવે તેને આ પડકારને કોઈપણ ભોગે પાર કરવો પડશે કારણ કે, તેના પિતાએ તેનામાં વિશ્વાસ વ્યક્ત કરીને દબાણ વધાર્યું છે. ચેતેશ્વર પુજારાના પિતા અરવિંદ પુજારાએ કહ્યું છે કે તેમનો દીકરો ફરીથી ટીમ ઈન્ડિયામાં પાછો ના આવે તેનું કોઈ કારણ તેમને દેખાતું નથી.
પુજારાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાંથી બહાર થયા બાદ કેટલીય બાબતો સામે આવી હતી. એકમાં એવું કહેવામાં આવ્યું હતું કે ટીમ મેનેજમેન્ટે પુજારાને તેના નિર્ણય વિશે પહેલાથી જ જણાવી દીધું હતું. આ પગલું એટલા માટે લેવામાં આવ્યું હતું કારણ કે ભારતીય મેનેજમેન્ટ આ પ્રવાસમાં યુવા ખેલાડીઓને અજમાવવા માંગે છે. જોકે, કારણ ગમે તે હોય પરંતુ પુજારાએ ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવાનું મિશન શરૂ કરી દીધું છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી તેને હાંકી કાઢવાના સમાચાર જાણ્યા પછી જ તેને પુનરાગમનની તાલીમ શરૂ કરી. હાલમાં તેની તૈયારી દુલીપ ટ્રૉફી માટે ચાલી રહી છે, જેનો એક વીડિયો તેને ખુદ સોશ્યલ મીડિયા પર પણ પૉસ્ટ કર્યો છે.
ચેતેશ્વર પુજારાના પિતાએ શું કહ્યું -
ચેતેશ્વર પુજારાના પિતા અને કૉચ અરવિંદ પુજારાએ TOIને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું, "તે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. હું પસંદગી અંગે કંઈ કહીશ નહીં પરંતુ હું જે જોઈ રહ્યો છું તેના પરથી લાગી રહ્યું છે કે પુજારા સારી બેટિંગ કરી રહ્યો છે. જ્યારથી વેસ્ટ ઈન્ડિઝ માટે ટીમની પસંદગી થઈ ત્યારથી તેને નેટમાં પરસેવો પાડવાનો શરૂ કરી દીધો છે. તે અત્યારે દુલીપ ટ્રૉફી અને કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે. પિતા અને કૉચ હોવાના કારણે મને એવું વિચારવાનું કોઈ કારણ દેખાતું નથી કે તે ફરીથી ટીમ ઈન્ડિયામાં પાછો નહીં આવે.
ઉલ્લેખનીય છે કે, પુજારાને વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાંથી બહાર કઢાયા બાદ ક્રિકેટના કેટલાય દિગ્ગજ ખેલાડીઓ આ નિર્ણય પર સવાલ ઉઠાવી રહ્યા છે. આ લિસ્ટમાં સુનીલ ગાવસ્કરનું નામ સૌથી ઉપર છે. તેમને કહ્યું કે પુજારાના લાખો ફોલોઅર્સ નથી, જે તેના માટે નારા લગાવી શકે, જેના કારણે તેને બહાર કરવામાં આવ્યો.