MI vs DC: ‘દિલ્હીની 235 રને જીત’, વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળ્યું મોટું બ્લંડર
MI vs DC: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ની યજમાની કરી રહી છે.
MI vs DC: હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ (MI) મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની 20મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (DC) ની યજમાની કરી રહી છે. જોકે, મહેમાન કેપ્ટને ટોસ જીતીને યજમાન ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
રોહિત શર્મા (49), ઈશાન કિશન (42), ટિમ ડેવિડ (45*) અને રોમારીયો શેફર્ડના અણનમ 39 રનની કેટલીક નિર્ણાયક ઇનિંગ્સના આધારે, MIએ નિર્ધારિત 20 ઓવરમાં 234 રન બનાવ્યા. જ્યારે દિલ્હી 235નો પીછો કરી રહી હતી ત્યારે એક ભૂલ સામે આવી.
સ્ટેડિયમના અધિકારીઓ પણ આ ભૂલમાં સામેલ હતા કારણ કે મોટી સ્ક્રીન પર "DCની 235 રનથી જીત" દર્શાવવામાં આવતા ચકચાર મચી ગઈ હતી, જેની તસવીર X (અગાઉ ટ્વિટર) પર વાયરલ થઈ રહી છે. જો કે, આ ભૂલને તાત્કાલિક સુધારી લેવામાં આવી હતી અને પછી લખવામાં આવ્યું હતું કે, દિલ્હીને 235 રનનો લક્ષ્યાંક મળ્યો છે. જોકે,આ સુધારો થાય તે પહેલાં જ આ તસવીર સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ ગઈ હતી. ફેન્સ તેના પર ખુબ કોમેન્ટ કરવા લાગ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સે વાનખેડે સ્ટેડિયમમાં તેમના હોમ ફેન્સ સામે દિલ્હી કેપિટલ્સને 29 રનથી હરાવ્યું છે. IPL 2024માં MIની આ પહેલી જીત છે, આ પહેલા ટીમ સતત 3 મેચ હારી ગઈ હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સે 234 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે દિલ્હી માટે પૃથ્વી શૉએ 40 બોલમાં 66 રનની ઈનિંગ રમી હતી, જ્યારે અભિષેક પોરેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સની મહત્વની ઈનિંગ્સ પણ ટીમને જીત તરફ લઈ જઈ શકી નહોતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 25 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. એમઆઈ માટે રોહિત શર્માએ 49 રન, ઈશાન કિશને 42 રન બનાવ્યા અને છેલ્લી ઓવરોમાં ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે સિક્સર ફટકારી. નોંધનિય છે કે, હાર્દિક પંડ્યાએ બે દિવસ પહેલાં જ સોમનાથ મંદિરે દર્શન કર્યા હતા. જેથી ફેન્સ કહી રહ્યા છે કે, આખરે હાર્દિક પંડ્યા પર સોમનાથ દાદાની કૃપા વરસી છે.
15 ઓવર પછી, દિલ્હી કેપિટલ્સનો સ્કોર 3 વિકેટે 144 રન હતો અને તેણે જીતવા માટે આગામી 5 ઓવરમાં 91 રન બનાવવાના હતા. 16મી ઓવરમાં માત્ર 9 રન જ આવ્યા હતા અને ઋષભ પંતની વિકેટના કારણે દિલ્હી કેપિટલ્સ બેક ફૂટ પર હતી. પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સ હજુ પણ ક્રિઝ પર હતા અને સ્થિતિ એવી હતી કે ડીસીને છેલ્લી 3 ઓવરમાં 63 રનની જરૂર હતી. જસપ્રીત બુમરાહે 17મી ઓવરમાં માત્ર 8 રન આપ્યા હતા, જેના કારણે MIની જીત લગભગ નિશ્ચિત હતી કારણ કે દિલ્હીને છેલ્લા 12 બોલમાં 55 રન બનાવવાના હતા. છેલ્લી બે ઓવરમાં મુંબઈના બોલરો મેચ પર નિયંત્રણ રાખતા હતા, જેના કારણે ડીસીને 29 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.