Team India's Selection Criteria: હવે માત્ર એક IPL સીઝનમાં શાનદાર પ્રદર્શન કરવાથી ટીમ ઈન્ડિયામાં નહી મળે સ્થાન
શ્રીલંકા માટે તાજેતરની ટીમ ઈન્ડિયાની પસંદગીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે અને તે એ છે કે આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કરવાથી તમને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે.
BCCI New Selection Criteria: શ્રીલંકા માટે તાજેતરની ટીમ ઈન્ડિયાની પસંદગીથી એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે અને તે એ છે કે આઈપીએલમાં જોરદાર પ્રદર્શન કરવાથી તમને ટીમ ઈન્ડિયામાં સ્થાન નહીં મળે, ભારતીય ટીમની જર્સી પહેરવા માટે તમારે સ્થાનિક ક્રિકેટમાં પણ શાનદાર પ્રદર્શન કરી રમવું પડશે. ટુર્નામેન્ટમાં પણ સારું પ્રદર્શન કરવું પડશે. શિવમ માવી અને મુકેશ કુમારની પસંદગી ટીમ ઈન્ડિયાના નવા પસંદગીના માપદંડને દર્શાવે છે. BCCIની રવિવારે મળેલી બેઠકમાં કેટલાક નિર્ણયો પણ આ જ સંકેત આપી રહ્યા છે.
બીસીસીઆઈએ પસંદગી પ્રક્રિયામાં 'યો-યો' અને 'ડેક્સા'નો પણ સમાવેશ કર્યો છે. આ ટેસ્ટ દ્વારા ખેલાડીઓના ફિટનેસ લેવલને જાણ્યા બાદ જ તેમને ટીમ ઈન્ડિયામાં સ્થાન મળશે. રવિવારે યોજાયેલી BCCIની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠક એશિયા કપ બાદ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના ફ્લોપ પ્રદર્શનની સમીક્ષા કરવા માટે યોજાઈ હતી. આ બેઠકમાં અન્ય ઘણા મોટા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા, જે ટીમ ઈન્ડિયામાં પસંદગીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યા છે.
ODI વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓ શોર્ટલિસ્ટ થયા
સમીક્ષા બેઠકમાં, BCCIએ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે અને તેમને વર્લ્ડ કપ સુધી ODI મેચોમાં રોટેશન પોલિસીના આધારે પ્લેઇંગ-11નો ભાગ બનાવવામાં આવશે. આ બેઠકમાં કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્ની, સેક્રેટરી જય શાહ, એનસીએ ચીફ વીવીએસ લક્ષ્મણ અને પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા હાજર હતા.BCCIએ આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા.
ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન ટીમ ઈન્ડિયામાં પસંદગીનો માર્ગ ખોલશે
મીટિંગ બાદ જય શાહે કહ્યું કે BCCIએ 20 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કર્યા છે, જેમને 50 ઓવરના વર્લ્ડ કપ સુધી રોટેટ (ફેરવવામાં) આવશે. તેણે એમ પણ કહ્યું કે આ 20 ખેલાડીઓ સિવાય ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શનના આધારે ખેલાડીઓને વર્લ્ડ કપની ટીમનો ભાગ બનાવવાનો વિકલ્પ હશે. બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું કે નેશનલ ક્રિકેટ એકેડમી ખેલાડીઓની ફિટનેસને લઈને અંતિમ રિપોર્ટ આપશે અને તેના આધારે તેમને ભારતીય ટીમમાં પસંદ કરવામાં આવશે.