Final: ગૂગલ પણ રંગાયું વર્લ્ડકપ ફાઇનલના રંગે, કંપનીએ ખાસ ડૂડલ બનાવી પાઠવી ભારત-ઓસ્ટ્રેલિયાને શુભેચ્છા
ગૂગલે તેના ડૂડલ દ્વારા ફાઈનલ મેચ વિશે ખાસ મેસેજ આપ્યો છે. આમાં ગૂગલના બીજા 'O' ને વર્લ્ડકપનો આકાર આપવામાં આવ્યો છે
ICC Cricket World Cup 2023 Final: આજે ક્રિકેટ વર્લ્ડકપનો ફાઇનલ જંગ જામશે, આ પહેલા ગૂગલ પણ ફાઇનલ મેચના રંગમાં રંગાયું છે. ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને સમગ્ર વિશ્વ જ ક્રેઝી નથી, પરંતુ સાથે સાથે ગૂગલ પણ ક્રેઝી બન્યુ છે. ફાઇનલ મેચ આજે રવિવારે (19 નવેમ્બર) રમાવાની છે. વર્લ્ડકપ ફાઇનલ મેચના આ અવસર પર ગૂગલે એક ખાસ ડૂડલ બનાવ્યું છે.
ડૂડલમાં શું છે ખાસ
ગૂગલે તેના ડૂડલ દ્વારા ફાઈનલ મેચ વિશે ખાસ મેસેજ આપ્યો છે. આમાં ગૂગલના બીજા 'O' ને વર્લ્ડકપનો આકાર આપવામાં આવ્યો છે. જ્યારે બાકીના લેટર્સને ખેલાડીઓના રેન્કિંગની જેમ શણગારવામાં આવ્યા છે. Google ના L ને બેટનું સ્વરૂપ આપવામાં આવ્યું છે જ્યારે પૃષ્ઠભૂમિમાં સ્ટેડિયમ અને સ્ટેમ્પ સાથેના ક્રિકેટના દ્રશ્યો દેખાઇ રહ્યાં છે.
ગૂગલે ભારત-ઓસ્ટ્રેલિયાને પાઠવી શુભેચ્છાઓ
તેના ડૂડલ વિશે જણાવતાં ગૂગલે કહ્યું કે, આજનું ડૂડલ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 2023ના ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપની ઉજવણી કરી રહ્યું છે. ગૂગલે વધુમાં જણાવ્યું હતું કે, "આ વર્ષે ભારતે અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા સહિત 10 નેશનલ ટીમોને હરાવી છે, અને હવે તે ફાઈનલ મેચમાં આવી ગઈ છે. ફાઇનલિસ્ટને શુભેચ્છાઓ! "
5 ઓક્ટોબરે શરૂ થયો હતો વર્લ્ડકપ
તમને જણાવી દઈએ કે ભારત દ્વારા યોજવામાં આવેલો આ વર્લ્ડકપ 2023 ગઇ 5 ઓક્ટોબરથી શરૂ થયો હતો. તે દિવસે પણ ગૂગલે ડૂડલ બનાવીને તેની ઉજવણી કરી હતી. 10 ટીમોની આ ટૂર્નામેન્ટ ખૂબ જ રોમાંચક રહી છે. વર્લ્ડકપની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ પણ અહીં રમાઈ રહી છે. વર્લ્ડકપની શરૂઆત 1975માં શરૂ થઈ હતી અને 2023 આ ટૂર્નામેન્ટની 13મી એડિશન છે.
વર્લ્ડકપમાં ભારત ઉપરાંત અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમોએ ભાગ લીધો છે. આજે સમગ્ર વિશ્વની નજર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ફાઈનલ મેચ પર છે. વર્લ્ડકપની ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સેંકડો વીઆઈપીઓ પહોંચશે.