આયરલેન્ડના સૌથી સફળ કેપ્ટને ભારત અને આયરલેન્ડ સીરિઝ અગાઉ નિવૃતિની કરી જાહેરાત
2007 વર્લ્ડ કપમાં આયરલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે પોર્ટરફિલ્ડ ટીમનો યુવા સભ્ય હતો
નવી દિલ્હી: આયરલેન્ડના દિગ્ગજ ખેલાડી વિલિયમ પોર્ટરફિલ્ડે (William Porterfield) આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. તેણે ભારતના આયરલેન્ડના પ્રવાસ અગાઉ નિવૃતિની જાહેરાત કરી છે. 37 વર્ષીય વિલિયમ પોર્ટરફિલ્ડની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 16 વર્ષની રહી છે. આ સમયગાળા દરમિયાન તેણે આયરલેન્ડ તરફથી 200થી વધુ મેચ રમી હતી. તે આયરલેન્ડનો સૌથી સફળ કેપ્ટન પણ હતો. પોર્ટરફિલ્ડ વનડેમાં આયરલેન્ડ તરફથી બીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. માત્ર કેવિન ઓ'બ્રાયન તેના કરતા વધુ રન બનાવી શક્યો છે. આયરલેન્ડને ભારત સામે 26 અને 28 જૂને ટી-20 મેચ રમવાની છે.
2007 વર્લ્ડ કપમાં આયરલેન્ડે પાકિસ્તાનને હરાવ્યું ત્યારે પોર્ટરફિલ્ડ ટીમનો યુવા સભ્ય હતો. પરંતુ ચાર વર્ષ બાદ જ્યારે આયરલેન્ડે વર્લ્ડ કપમાં ફરી વિસ્ફોટ કર્યો ત્યારે ટીમની કેપ્ટનશીપ પોર્ટરફિલ્ડના હાથમાં હતી. આયરલેન્ડે 2011ના વર્લ્ડ કપમાં તેની કેપ્ટનશીપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું.
આયરલેન્ડનું પ્રભાવશાળી પ્રદર્શન આગામી વર્લ્ડ કપ અને અન્ય મોટી ટુર્નામેન્ટમાં પણ ચાલુ રહ્યું. આ કારણે ICCએ તેને ટેસ્ટ ક્રિકેટ ટીમનો દરજ્જો પણ આપ્યો હતો. આયરલેન્ડે 2018માં પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. જ્યારે આયરિશ ટીમ તેની પ્રથમ ટેસ્ટ મેચમાં ઉતરી ત્યારે ટીમની કેપ્ટનસી પોર્ટરફિલ્ડના હાથમાં હતી.
વિલિયમ પોર્ટરફિલ્ડે ભારત-આયરલેન્ડ T20 શ્રેણી પહેલા નિવૃત્તિ લીધી છે. પોર્ટરફિલ્ડે 212 આંતરરાષ્ટ્રીય મેચ રમી અને તેમાંથી 172માં કેપ્ટનશીપ કરી. પોર્ટરફિલ્ડે સૌથી વધુ 148 ODI મેચ રમી છે. તેણે 61 T20 મેચ અને 3 ટેસ્ટ મેચ પણ રમી છે. વિલિયમ પોર્ટરફિલ્ડે 148 વનડેમાં 4343 રન બનાવ્યા છે. જેમાં 11 સદી સામેલ છે. તેણે 61 T20 મેચમાં 1079 રન પણ બનાવ્યા છે. ટેસ્ટ ફોર્મેટમાં આયરલેન્ડ સૌથી નવી ટીમ છે. આ કારણે પોર્ટરફિલ્ડ માત્ર 3 ટેસ્ટ મેચ રમી શક્યો હતો.
'માત્ર 4 વર્ષની નોકરી, NO પેન્શન....' અહીં એક ક્લિકમાં જાણો શું છે સરકારની નવી અગ્નિપથ યોજના
નીતિન ગડકરીએ 500 રૂપિયા કમાવવા માટેની જોરદાર સ્કીમ જણાવી, બસ કરવું પડશે આ કામ!