ENG vs IND: હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને મેચ દરમિયાન મેદાનમાં કહ્યા અપશબ્દો, ટ્વીટર પર ટ્રેન્ડ થયું #HardikAbusedRohit
Hardik Abused Rohit : બીજી T20 દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓના શરમજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ENG vs IND: ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટી-20 શ્રેણી રમી રહી છે. મુલાકાતી ટીમે પ્રથમ બે મેચ જીતીને ત્રણ મેચની T20I શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી હતી. સીરિઝની ત્રીજી અને અંતિમ મેચ આજે એટલે કે 10 જુલાઈ રવિવારના રોજ રમાવાની છે. ટીમ ઈન્ડિયા ભલે ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટી-20 સિરીઝ જીતી ગઈ હોય, પરંતુ ખેલાડીઓની હરકતોથી દેશને શરમ આવી રહી છે. બીજી T20 દરમિયાન ભારતીય ટીમના ખેલાડીઓના શરમજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતીય ખેલાડીઓ એક બીજાને ગંદી રીતે ગાળો આપી રહ્યા છે. તે ટ્વિટર પર પણ ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે.
હાર્દિક પંડ્યાએ રોહિત શર્માને મેચ દરમિયાન આપી ગાળો
સ્ટમ્પ માઈક દ્વારા ખેલાડીઓની ગંદી હરકતનો અવાજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના તે સમયની છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ ભારત તરફથી 171 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી. ત્યાર બાદ ઇંગ્લેન્ડની ઇનિંગની ચોથી ઓવરમાં હાર્દિક પંડ્યા બોલિંગ આક્રમણ પર હતો.
તે સમયે ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલાન અને લિયામ લિવિંગસ્ટન ક્રીઝ પર હાજર હતા. માલન 8 અને લિવિંગસ્ટન 15 રને રમી રહ્યા હતા. હાર્દિક ઇંગ્લેન્ડની ઇનિંગની ચોથી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે સ્ટમ્પ માઇકમાં હાર્દિકનો અવાજ કેદ થયો હતો, જેમાં તે રોહિતને અપશબ્દો આપતો જોવા મળ્યો હતો. હાર્દિકનો વિડીયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
ભારતે બીજી T20માં ઈંગ્લેન્ડને 49 રને હરાવી શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી
પ્રથમ બેટિંગ કરતા ભારતે 8 વિકેટે 170 રન બનાવ્યા હતા. ટીમ તરફથી રવિન્દ્ર જાડેજાએ અણનમ 46 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા રિચર્ડ ગ્લેસને ત્રણ વિકેટ ઝડપી હતી. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 17 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. યજમાન ટીમ તરફથી મોઈન અલીએ 35 અને ડેવિડ વિલીએ અણનમ 33 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે ત્રણ વિકેટ ઝડપી હતી.