ICC ODI Batsmen Rankingsમાં શુભમન ગિલને થયો બંપર ફાયદો અને ધવનને થયું નુકસાન...
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વન ડે સિરીઝ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વન ડે ક્રિકેટમાં બેટ્સમેનનું લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે.
ICC ODI Batsmen Rankings: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે વન ડે સિરીઝ પછી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વન ડે ક્રિકેટમાં બેટ્સમેનનું લેટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. આઈસીસીએ બુધવારે જાહેર કરેલા આ ODI રેન્કિંગમાં ભારતના ઓપનર બેટ્સમેન શુભમન ગિલ 45 ક્રમની છલાંગ લગાવીને 38માં ક્રમ પર પહોંચ્યો છે.
શુભમન ગિલના રેન્કિંગમાં થયો સુધારોઃ
22 વર્ષના આ ઓપનર બેટ્સમેને ઝિમ્બાબ્વે સામે હાલમાં જ પુરી થયેલી ત્રણ મેચોની વન ડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. શુભમન ગિલે હરારેમાં રમાયેલી ત્રીજી અને છેલ્લી વનડેમાં ફક્ત 97 બોલમાં 130 રન બનાવ્યા હતા. આ પહેલાં શુભમન ગિલે બીજી વનડેમાં 33 રન અને પ્રથમ વનડેમાં અણનમ 82 રન બનાવ્યા હતા.
આ સાથે લેટેસ્ટ ODI બેટ્સમેન રેન્કિંગમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી 744 રેટિંગ સાથે પાંચમા સ્થાન પર યથાવત રહ્યો છે. કોહલીને ઝિમ્બાબ્વે ટુર માટે આરામ આપવામાં આવ્યો હતો. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ છઠ્ઠા સ્થાન પર યથાવત છે અને તે પણ ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસ દરમિયાન આરામ પર હતો.
શિખર ધવનને થયું નુકસાનઃ
ઝિમ્બાબ્વે સામેની આ ત્રણ મેચોની સિરીઝમાં ભારતના અનુભવી ઓપનર બેટ્સમેન શિખર ધવને કુલ 154 રન બનાવ્યા હતા. આમ છતાં ધવનને આ લેટેસ્ટ રેન્કિંગમાં નુકસાન પહોંચ્યું છે. ધવન હવે એક ક્રમ નીચે સરકીને 12 ક્રમે આવી ગયો છે. તમને જણાવી દઈએ કે, શિખર ધવને ત્રીજી વનડે મેચમાં અર્ધશતક લગાવ્યું હતું.
ODI રેન્કિંગમાં ટોપ 10 બેટ્સમેનઃ
1- બાબર આઝમ, 2- રાસી વાન ડેર ડુસેન, 3- ક્વિન્ટન ડી કોક, 4- ઇમામ-ઉલ-હક, 5- વિરાટ કોહલી, 6- રોહિત શર્મા, 7- ડેવિડ વોર્નર, 8- જોની બેરસ્ટો, 9- રોસ ટેલર , 10- એરોન ફિન્ચ.
બીજી તરફ, બોલરોની યાદીમાં ન્યૂઝીલેન્ડનો ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ ટોપ પર છે, જ્યારે ઓલરાઉન્ડરોની યાદીમાં બાંગ્લાદેશનો શાકિબ અલ હસન નંબર વન પર યથાવત છે. બોલરોની રેન્કિંગમાં જોશ હેઝલવુડ બીજા, મુજીબ ઉર રહેમાન ત્રીજા, જસપ્રિત બુમરાહ ચોથા અને શાહીન આફ્રિદી પાંચમા નંબરે છે.
આ પણ વાંચોઃ
Helmet Cleaning Tips: શું તમારું હેલ્મેટ ગંદુ થઈ ગયું છે ? આ ટિપ્સ અપનાવીને બનાવો નવા જેવું