ICC T20 World Cup 2021: ક્રિકેટના મેદાનમાં ફરી ભારત-પાકિસ્તાનની થશે ટક્કર, જાણો કઈ તારીખે રમાશે મુકાબલો
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટી-20 વર્લ્ડકપ મુકાબલાના ગ્રુપની થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી. જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને સુપર-12ના ગ્રુપ 2માં છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે ટી-20 વર્લ્ડકપ મુકાબલાના ગ્રુપની થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી. જેમાં ભારત અને પાકિસ્તાનને એક જ ગ્રુપમાં રાખવામાં આવ્યા છે. બંને સુપર-12ના ગ્રુપ 2માં છે. બંને ટીમ 2019ના વન ડે વર્લ્ડકપમાં ટકરાઈ હતી. જેમાં ભારતની જીત થઈ હતી. આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારતનો મુકાબલો 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે થશે. આ મુકાબલાની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ક્યારથી શરૂ થશે ટુર્નામેન્ટ
પુરુષ ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે, આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ વાતની પહેલાથી જ જાણકારી આપી દીધી હતી. ખાસ વાત છે કે આ આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ -બીસીસીસીઆઇ યજમાન બનેલુ જ રહેશે.
આ ચાર સ્ટેડિયમમાં રમાશે તમામ મેચો
આઇસીસી અનુસાર, ટી20 વર્લ્ડકપની તમામ મેચોનુ આયોજન યુએઇ અને ઓમાનના 4 સ્ટેડિયમમાં કરવામાં આવશે. આમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબુધાબીનુ શેખ જાયેદ સ્ટેડિયમ, શારજહાં સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ સામેલ છે.
વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયા તૈયાર
તાજેતરમાં જ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયાની નજર ટી-20 વર્લ્ડકપ જીતવા પર છે. છેલ્લા થોડા વર્ષોથી ભારત આઈસીસીની મોટી ટુર્નામેન્ટ જીતી શક્યું નથી. આ સ્થિતિમાં ભારત ટી-20 વર્લ્ડકપ જીતવા તમામ તાકાત લગાવી દેશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયા આ ટુર્નામેન્ટમાં મેદાન પર ઉતરશે.
ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં આ ટીમો પણ ભાગ લેશે
કેટલાક મીડિયા રિપોર્ટ પ્રમાણે પ્રથમ રાઉન્ડમાં ૧૨ મેચો રમાશે. જેમાં આઠ ટીમો ભાગ લેશે. જેમાં બંને ગ્રુપમાં ટોચના બે સ્થાન પર રહેનારી ચાર ટીમો સુપર-૧૨માં ક્વોલિફાય થશે. ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્કોટલેન્ડ, નામિબિયા, ઓમાન, પાપુઆ ન્યુ ગિની જેવા દેશો ભાગ લેશે. તેઓ રેન્કિંગમાં ટોચના આઠ સ્થાન પર રહેલી ટીમોની સાથે સુપર-૧૨માં જોડાશે.