પિતા ટ્રક ડ્રાઈવર, ક્રિકેટર પુત્રએ ઈંગ્લેન્ડમાં મચાવ્યો હંગામો, વૈભવ સૂર્યવંશીને પછાડી ભારતનો નવો સ્ટાર બન્યો આ ગુજરાતી
India Under 19: ભારતીય અંડર-19 ટીમના હરવંશ પંગાલિયાએ ઈંગ્લેન્ડ યંગ લાયન્સ સામે તોફાની સદી ફટકારીને IPL સ્ટાર વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે. ચાલો જાણીએ આ શાનદાર પ્રદર્શનની સંપૂર્ણ કહાની.

India Under 19: જ્યારે સિનિયર ભારતીય ટીમ લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ 5 વિકેટથી હારી રહી હતી, ત્યારે ભારતની યુવા ટીમ ઇંગ્લેન્ડની ધરતી પર વિજયનો ધ્વજ લહેરાવી રહી હતી. અંડર-19 ભારતીય ટીમે ઇંગ્લેન્ડ યંગ લાયન્સને 231 રનથી હરાવીને એકતરફી મેચ જીતી હતી અને આ ઐતિહાસિક જીતનો હીરો અંડર 19 ટીમનો વિકેટકીપર-બેટ્સમેન હરવંશ પંગાલિયા હતો. હરવંશના પિતા કચ્છના ગાંધીધામના રહેવાસી ટ્રક ડ્રાઈવર છે.
IPL સ્ટાર્સે પોતાની ચમક ગુમાવી દીધી
ઇન્ડિયન અંડર 19 અને ઇંગ્લેન્ડ યંગ લાયન્સ વચ્ચેની આ મેચ ઇંગ્લેન્ડના લોફબરોમાં રમાઈ હતી. આ ODI મેચમાં ભારતે પહેલા બેટિંગ કરીને ઇંગ્લેન્ડ લાયન્સ સામે 50 ઓવરમાં 442 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન આયુષ મ્હાત્રે 1 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો અને તાજેતરમાં IPLમાં ધમાલ મચાવનાર 14 વર્ષીય વૈભવ સૂર્યવંશી 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. તમને જણાવી દઈએ કે, વૈભવે આઈપીએલમાં શાનદાર સજી ફટકારી હતી. જ્યારે આ IPL સ્ટાર્સ ઇંગ્લેન્ડની પીચ પર નિષ્ફળ જતા જોવા મળ્યા, ત્યારે તે જ મેચમાં, હરવંશ પંગાલિયાએ 52 બોલમાં અણનમ 103 રન બનાવીને બધાનું ધ્યાન ખેંચ્યું.
હરવંશની તોફાની ઇનિંગ
હરવંશની 103 રનની સદીમાં 8 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની બેટિંગે ઇંગ્લેન્ડના બોલરોને એવો આંચકો આપ્યો કે તેઓ મેચમાં પાછા આવવાનું વિચારી પણ ન શકે. હરવંશે માત્ર બેટથી જ નહીં, પરંતુ પોતાના આત્મવિશ્વાસ અને દબાણ હેઠળ ચમકવાની ક્ષમતાથી પણ સાબિત કર્યું કે ભારતનું ભવિષ્ય IPL સ્ટાર્સ કરતાં ઘણું ઊંડે છુપાયેલું છે.
હરવંશ ઉપરાંત, રાહુલ કુમારે 73, કનિષ્ક ચૌહાણ 79 અને આરએસ અંબરીશે 72 રનની શાનદાર ઇનિંગ રમી. બોલિંગમાં પણ, દિપેશ દેવેન્દ્રને 3 વિકેટ લીધી, જ્યારે નમન પુષ્પક અને વિહાન મલ્હોત્રાએ 2-2 વિકેટ લીધી અને ઇંગ્લેન્ડ યંગ લાયન્સને 211 રનમાં આઉટ કરી દીધી.
હરવંશની કહાની મેદાનની બહાર પણ પ્રેરણાદાયક છે
18 વર્ષીય હરવંશની ક્રિકેટ કહાની ફક્ત મેદાન પર જ નહીં પણ મેદાનની બહાર પણ પ્રેરણાદાયક છે. નીલકંઠ ક્રિકેટ એકેડેમીમાં કોચ નકુલ અયાચીના માર્ગદર્શન હેઠળ તાલીમ પામેલો હરવંશ હવે કેનેડાના બ્રેમ્પટનમાં રહે છે, જ્યાં તેના પિતા ટ્રક ડ્રાઈવર છે. તેના પુત્ર હરવંશનું સ્વપ્ન ભારતની વાદળી જર્સી પહેરીને ટીમ માટે રમવાનું છે અને હવે હરવંશ તેના સ્વપ્નને સાકાર કરવાના માર્ગ પર ઝડપથી આગળ વધી રહ્યો છે.



















