IND vs AUS, 1st ODI: કેએલ રાહુલની શાનદાર ઈનિંગથી ઓસ્ટ્રેલિયા સામે ભારતનો 5 વિકેટથી વિજય, જાડેજાએ પણ કર્યો કમાલ
ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સીરીઝની પ્રથમ મેચમાં 5 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
IND vs AUS, 1st ODI- Full Match Highlights: ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઓસ્ટ્રેલિયા સામેની 3 મેચની ODI સીરીઝની પ્રથમ મેચમાં 5 વિકેટથી જીત મેળવીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે એક તબક્કે 16ના સ્કોર પર 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી રાહુલે એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને તેને લક્ષ્ય તરફ લઈ ગયો, જેમાં તેને રવિન્દ્ર જાડેજાનો સારો સાથ મળ્યો. કેએલ રાહુલે 75 રનની અણનમ ઇનિંગ રમી હતી, જાડેજાએ પણ અણનમ 45 રન બનાવ્યા હતા.
આ પ્રથમ ODI મેચ દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ પણ જોવા મળ્યા. 189 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 5ના સ્કોર પર ઈશાન કિશનના રૂપમાં પોતાની પ્રથમ વિકેટ ગુમાવી હતી. જ્યારે 16 રનના સ્કોર પર ટીમને વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવના રૂપમાં 2 મોટા ઝટકા લાગ્યા હતા. તેને મિચેલ સ્ટાર્ક દ્વારા સતત 2 બોલમાં પેવેલિયન મોકલવામાં આવ્યા હતા.
આ પછી બેટિંગ કરવા આવેલા કેએલ રાહુલે શુભમન ગિલ સાથે મળીને પ્રથમ 10 ઓવરમાં સ્કોર 39 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યારબાદ ગિલ 20 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. અહીંથી કેએલ રાહુલને હાર્દિક પંડ્યાનો સાથ મળ્યો અને બંનેએ સાથે મળીને માત્ર 55 બોલમાં 5મી વિકેટ માટે 44 રનની ભાગીદારી કરીને ટીમને મેચમાં પરત લાવ્યું હતું. રાહુલે એક છેડેથી ઇનિંગ્સને સંભાળી અને તેને લક્ષ્ય તરફ લઈ ગયો, જેમાં તેને રવિન્દ્ર જાડેજાનો સારો સાથ મળ્યો.
રાહુલ અને જાડેજાની મેચ વિનિંગ ભાગીદારીએ ઓસ્ટ્રેલિયાને કોઈ તક આપી નહી
આ મેચમાં 83 રનના સ્કોર સુધી ટીમ ઈન્ડિયાએ પોતાની 5 વિકેટ ગુમાવી દીધી હતી, ત્યાર બાદ મેદાન પર બેટિંગ કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ રાહુલ સાથે મળીને સ્કોરને આગળ લઈ જવાનું ચાલુ રાખ્યું હતું. જ્યાં બંનેએ ખરાબ બોલને બાઉન્ડ્રી બહાર મોકલ્યા હતા. જ્યારે સારા બોલ પર 1 કે 2 રન લીધા હતા, પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમે કોઈપણ રીતે વાપસીની તક આપી ન હતી.
બંને વચ્ચે 6ઠ્ઠી વિકેટ માટે મેચ વિનિંગ 108 રનની ભાગીદારી જોવા મળી હતી, જેના આધારે ભારતીય ટીમે આ લક્ષ્યાંક 39.5 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાની બોલિંગમાં મિચેલ સ્ટાર્કે 3 જ્યારે માર્કસ સ્ટોઈનિસે 2 વિકેટ ઝડપી હતી.