(Source: ECI/ABP News/ABP Majha)
IND vs ENG: શું વરસાદ ભારતને બચાવશે હારથી ? જાણો આજે એજબેસ્ટોનમાં કેવું રહેશે હવામાન
ENG vs IND, 5th Test: મેચ જીતવા 378 રનના પડકારને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ચોથા દિવસના અંતે 3 વિકેટના નુકસાન પર 259 રન બનાવી લીધા હતા.
IND vs ENG 5th Test: એજબેસ્ટનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ રમાઈ રહી છે. આ મેચના પહેલા ત્રણ દિવસ ભારતીય ટીમનો દબદબો હતો, પરંતુ ચોથા દિવસે ઈંગ્લેન્ડે શાનદાર વાપસી કરી હતી. હવે પાંચમા દિવસે આ ટેસ્ટ જીતવા માટે ઈંગ્લેન્ડની ટીમને માત્ર 119 રન બનાવવાના છે જ્યારે 7 વિકેટ હાથમાં બાકી છે. ભારતીય ટીમે છેલ્લે વર્ષ 2007માં ઈંગ્લેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતી હતી ત્યારે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન હતો.
છેલ્લા દિવસે હવામાન કેવું રહેશે?
આ ટેસ્ટ મેચ દરમિયાન વરસાદને કારણે ઘણી મુશ્કેલી પડી હતી. હવે આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે પાંચમા દિવસે હવામાન કેવું રહેશે? શું એજબેસ્ટન ટેસ્ટના છેલ્લા દિવસે વરસાદ પડશે? બીજી તરફ હવામાન વિભાગની આગાહી પર વિશ્વાસ કરવામાં આવે તો આ દિવસે વરસાદની શક્યતા ઘણી ઓછી છે, દિવસભર આકાશ સ્વચ્છ રહેવાની ધારણા છે. જોકે વાદળછાયું વાતાવરણ રહેશે. જો આમ થશે તો ઝડપી બોલરોને મદદ મળવાની શક્યતા છે. આજે એજબેસ્ટનમાં તાપમાન 18-20 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે ભેજ મહત્તમ 60 ટકા રહેશે.
ચોથા દિવસે શું થયું
ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગ 245 રનમાં સમેટાઈ હતી. પૂજારાએ સર્વાધિક 66 રન બનાવ્યા હતા. પંતે 57 રનનું યોગદાન આપ્યું હતું. બેન સ્ટોક્સે 33 રનમાં 4 વિકેટ લીધી હતી. પોટ્સ અને બ્રોડને 2-2 તથા એન્ડરસર અને લીચને 1-1 વિકેટ મળી હતી. મેચ જીતવા 378 રનના પડકારને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ચોથા દિવસના અંતે 3 વિકેટના નુકસાન પર 259 રન બનાવી લીધા હતા. એલેક્લ લીસે 56, ઝેક ક્રાઉલીએ 46 રન બનાવ્યા હતા. જો રૂટ 76 અને બેયરસ્ટો 72 રને રમતમાં હતા. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હતી.