Ind Vs Pak Asia Cup 2022: બાબર આઝમ જ નહી આ પાંચ પાકિસ્તાની ખેલાડીઓથી પણ ટીમ ઇન્ડિયાએ રહેવું પડશે સાવધ
એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો રમાશે. એશિયા કપ 2022માં બંને ટીમોની આ પ્રથમ મેચ હશે
Ind Vs Pak Asia Cup 2022: એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો રમાશે. એશિયા કપ 2022માં બંને ટીમોની આ પ્રથમ મેચ હશે. ટી20 વર્લ્ડ કપ 2021માં ટીમ ઈન્ડિયાને પાકિસ્તાને હરાવ્યું હતું, તો હવે ટીમ ઇન્ડિયા પાસે તે હારનો બદલો લેવાની તક છે.
પાકિસ્તાનની ટીમમાં એવા ઘણા ખેલાડીઓ છે, જેઓ ભારત સામે જોરદાર પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે. માત્ર કેપ્ટન બાબર આઝમ ટીમ ઈન્ડિયા માટે મોટો ખતરો નહીં હોય, પરંતુ અન્ય ખેલાડીઓ પર પણ નજર રાખવી પડશે. સુકાની બાબર આઝમ સિવાય પાકિસ્તાનના કયા ખેલાડીઓ પર રહેશે નજર ચાલો જાણીએ.
ફખર જમાન
પાકિસ્તાનનો ફખર ઝમાન T20 ટીમમાં નંબર-3 પર રમે છે. બાબર-રિઝવાનની જોડી પછી તે ઇનિંગ્સને આગળ વધારશે. ભલે તેનો રેકોર્ડ સારો ન હોય પણ તે ભારત સામે મોટી ઇનિંગ રમે છે. જો ટીમ ઈન્ડિયા ટોપ-3 બેટ્સમેનોને રોકે તો સારું રહેશે.
મોહમ્મદ રિઝવાન
મોહમ્મદ રિઝવાનની ગણતરી હાલના સમયમાં શ્રેષ્ઠ T20 બેટ્સમેનોમાં થાય છે. ટી20 વર્લ્ડ કપ 2021માં પણ તે ટીમ ઈન્ડિયા પર ભારે પડ્યો હતો. ટી20માં તેનો રેકોર્ડ પણ શાનદાર છે. મોહમ્મદ રિઝવાને પાકિસ્તાન માટે 56 મેચમાં 1662 રન બનાવ્યા છે, તેની એવરેજ 50થી વધુ છે.
નસીમ શાહ
19 વર્ષીય નસીમ શાહ પાકિસ્તાનના યુવા ઝડપી બોલરોમાંથી એક છે. તે પ્રથમ વખત ટીમ ઈન્ડિયા સામે રમશે, તેણે પાકિસ્તાન સુપર લીગમાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. નેધરલેન્ડ સામેની તાજેતરની સીરિઝમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી, જેથી તે ભારતને ચોંકાવી શકે છે.
શાદાબ ખાન
પાકિસ્તાની સ્પિનર શાદાબ ખાન પ્લેઇંગ-11માં સામેલ થવાનો છે. તેણે 64 ટી20 મેચમાં 73 વિકેટ લીધી છે. તે રન પણ બનાવી શકે છે. શાદાબને પણ UAEમાં રમવાનો અનુભવ છે. તેથી તે ટીમ ઈન્ડિયા માટે ખતરો બની શકે છે.
હારિસ રઉફ
શાહીન આફ્રિદીની ગેરહાજરીમાં પાકિસ્તાનના ઝડપી બોલિંગ હારિસ રઉફ સંભાળશે. 28 વર્ષીય હારિસે અત્યાર સુધી T20 ઈન્ટરનેશનલમાં 42 વિકેટ ઝડપી છે.